જૂનાગઢ-

સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ગુરૂવારથી સરકારની કોવિડ-19ની માર્ગદર્શિકા સાથે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં પ્રતિદિન 500 મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે.

હાલ કોરોના સંક્રમણના પગલે કેટલીક છૂટછાટો સાથે જીવન પૂર્વવત થઈ રહયું છે. રાજય સરકાર દ્રારા સફારી પાર્ક, અભયારણ્યો, નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય તા.1/10/2020 થી ખુલ્લુ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ કરનાર મુલાકાતીઓએ સરકાર દ્વારા કોવિડ-19 સંદર્ભે પાડવામાં આવેલ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રતિદિન 500 મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં 10 વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષથી ઉપરના સીનીયર સીટીઝનને પ્રવેશ આપવામાં આવશે નહિ. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ મેળવનારે ફરજીયાતપણે માસ્ક પહેરવાનું રહેશે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ મેળવનાર મુલાકાતિઓએ ઝુ માં કોઇપણ જગ્યાએ એકત્ર થવું એટલે કે મેળાવડો કરવાનો રહેશે નહિ. સોશ્યયલ ડીસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ઝુ માં આવતા પ્રવાસીઓના સમુહમાં એકત્ર થવાના સ્થળો જેવા કે ઓરીએન્ટેશન સેન્ટર, માછલીઘર, બગીચા અને એમ્યુઝમેન્ટ પાર્ક શરૂઆતના દિવસોમાં બંધ રાખવામાં આવશે.