વડોદરા : જુનિયર ડોકટર્સ એસોસિયેશન (જેડીએ) દ્વારા તેમની મુખ્ય ચાર માંગણીઓ સંદર્ભે ચલાવવામાં આવી રહેલા હડતાળ-આંદોલનના મામલે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આરોગ્ય મંત્રી અને જેડીએ પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી મિટિંગ દરમિયાન આરોગ્યમંત્રીએ જુનિયર રેસિડેન્ટ તબીબોની હડતાળને ગેરવાજબી ઠેરવતાં આજની મિટિંગમાં સમાધાનની વાટાઘાટો પડી ભાંગી હતી. જેથી જુનિયર તબીબો મક્કમ બની લડી લેવાના મૂડમાં આવી વડોદરા મેડિકલ કોલેજના કેમ્પસમાં રામધૂન બોલાવી હતી અને વી વૉન્ટ જસ્ટિસના ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ મોડી સાંજે સયાજી હોસ્પિટલમાં કેન્ડલ માર્ચ રેલી યોજી હતી, જે હોસ્પિટલના કેમ્પસમાં ફરીને વિરોધ નોંધાવ્યો હતો.

સરકારે કોરોનાકાળ સમયે જુનિયર રેસિડેન્ટ તબીબો કોરોનાની ડયૂટીમાં કેટલાક લાભો આપવાની લાલચ - બાંહેધરી આપી ડયૂટી કરાવ્યા બાદ જુનિયર રેસિડેન્ટ તબીબોને લાભોથી વંચિત રાખી ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવાના ઓર્ડરો ઈશ્યૂ કરવા સાથે બોન્ડના સમયનો લાભ આપવામાં ન આવતાં તબીબોએ જેડીએ દ્વારા આરોગ્ય કમિશનરને રજૂઆત કરી હતી, પરંતુ આરોગ્ય કમિશનરે પ્રતિનિધિમંડળની રજૂઆત સાંભળવાને બદલે અપનાનિત કરી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ વર્તનથી રોષે ભરાયેલા તબીબો પોતાની માગણીઓને લઈને છેલ્લા પાંચ-છ દિવસથી હડતાળનું આંદોલન ચલાવી રહ્યા છે અને સરકારની બેધારી નીનિતો વિરોધ દર્શાવી રહ્યા છે.

ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી-આરોગ્યમંત્રી નીતિન પટેલે આ હડતાળને ગેરવાજબી ગણાવી તેમની સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતાં તબીબો વધુ છંછેડાયા હતા અને આંદોલનને મજબૂત બનાવવા માટે મક્કમ બન્યા છે. જુનિયર ડોકટર્સ એસોસિયેશનના આંદોલનનો અંત લાવવા માટે અમદાવાદ-ગાંધીનગર સ્થિત બી.જે.મેડિકલ કોલેજના ડીને મીડિયેટર બની સમાધાનની ભૂમિકા હેતુ આજે આરોગ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ યોજવામાં આવી હતી. પરંતુ તે ફળદાયી નહીં નીવડતાં વાટાઘાટો પડી ભાંગી હતી. જેથી આજે બરોડા મેડિકલ કોલેજના જુનિયર રેસિડેન્ટ તબીબોએ મોડી સાંજે આંદોલનના ભાગરૂપે સયાજી હોસ્પિટલના કેમ્પસમાં કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો.

---------------

‘’