વડોદરા : વડોદરાના આકાશમાં ડિસેમ્બર મહિનામાં ત્રણ મહત્ત્વની ઘટના થવા જઈ રહી છે.૧૧મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક શહેરના આકાશમાંથી પસાર થશે. ૧૪મી ડિસેમ્બરે મિથુન રાશીની ઉલ્કા વર્ષા દેખાશે. સૌથી અગત્યની ઘટના ૨૨મી ડિસેમ્બરે બનશે જેમાં ૩૯૭ વર્ષ બાદ ગુરુ અને શનિ એકબીજાથી ફક્ત ૦.૧ ડીગ્રીના અંતરે રહેશે. આ બધી ઘટના નિહાળવા શહેરના ખગોળવાસીઓ ઘણાં ઉત્સુક છે. 

આ વર્ષના ઉત્તર ગોળાર્ધના ટૂંકામાં ટૂંકા દિવસોમાં ગુરુ અને શનિ પૃથ્વીની સાપેક્ષે એકબીજાની ખૂબ નજીક આવી જશે. આ અંતર ૨૨મી ડિસેમ્બરે ફક્ત ૦.૧ ડીગ્રી થઇ જશે. આ યુતિ ૩૯૭ વર્ષ બાદ થવા જઈ રહી છે જે નરી આંખે નિહાળી શકાશે. ટેલીસ્કોપમાં બંને ગ્રહો, ગુરુના ચાર ચંદ્ર ( અત્યાર સુધી કુલ ૭૯ શોધાયેલા છે) તેમજ શનિના વલયો દેખાશે. શહેરના આકાશમાં અદભૂત ખગોળીય ઘટના જોવા ખગોળરસિકો અત્યારથી જ તેની તેની રાહ જોઈ રહ્યા છે. હાલ સૂર્યાસ્ત બાદ દક્ષિણ-પશ્ચિમમાં આકાશમાં બંને ગ્રહો એકબીજાની ઘણી નજીક છે. જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ બંને ગ્રહો એકબીજાની નજીક આવતા દેખાય છે. ૨૧-૨૨ ડિસેમ્બર ઉત્તર ગોળાર્ધના ટૂંકામાં ટૂંકા દિવસોમાં આ બંને ગ્રહો એકબીજાથી ફક્ત ૦.૧ ડીગ્રીના અંતરે આવી જશે. આ ઘટના ૩૯૭ વર્ષ બાદ થવા જઈ રહી છે. અગાઉ વર્ષ ૧૬૨૩ માં આ ઘટના થઇ હતી. ગેલીલેઓએ બનાવેલા પ્રથમ ટેલીસ્કોપના ૧૪ વર્ષ બાદ જ આ ઘટના થઇ હતી. ૨૧-૨૨ મી એ આકાશમાં થનારી આ યુતિ સાથે શનિના વલયો, ગુરુના ચંદ્રો અને અન્ય નક્ષત્રો જોવા ખગોળરસિકો તલપાપડ છે. ખગોળવિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરતી એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસિએશન ઓફ વડોદરા (એએએવી) આ ઘટના યુટ્યુબ અને ફેસબુક પર લાઈવ દેખાડશે.

૧૪મીએ મિથુન રાશિની ઉલ્કાવર્ષા થશે

વડોદરાના આકાશમાં ૧૪મી ડિસેમ્બેરના રોજ રાત્રે મિથુન રાશીની ઉલ્કાવર્ષા થશે. અંધારી જગ્યા પરથી ઉલ્કા સ્પષ્ટતાથી જોઈ શકાશે. શહેરનો પ્રકાશ ઉલ્કાને જોવામાં નડે છે. આ વખતે કલાકમાં ૧૨૦ જેટલી ઉલ્કા પડવાની શક્યતા ખગોળવિજ્ઞાનીઓએ વ્યક્ત કરી છે. અવકાશમાં ઘૂમી રહેલા ધૂમકેતુ, લઘુગ્રહો અને અન્ય અવકાશ પીંડો જયારે પૃથ્વીની ભ્રમણકક્ષામાં પ્રવેશે છે ત્યારે પૃથ્વીના વાતાવરણ સાથે ઘર્ષણમાં આવવાના કારણે સળગી ઉઠે છે. પૃથ્વી પરથી જ્યારે આપણે પીંડોની રજકણને સળગતી જોઈએ છીએ તેને ઉલ્કાવર્ષા કહેવાય.

શહેરમાં અંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પસાર થશે

શહેરના આકાશમાં ડિસેમ્બરના વિવિધ દિવસે અંતરરાષ્ટ્રીય અવકાશમથક પસાર થશે. ૯મીના રોજ સાંજે ૭.૦૫ થી ૭.૦૮ સુધી (તીવ્રતા માઈનસ ૪.૧), ૧૦મીના સાંજે ૬.૧૮ થી ૬.૨૩ (તીવ્રતા માઈનસ ૩)અને સાંજે ૭.૫૫ થી ૭.૫૮ સુધી (તીવ્રતા માઈનસ ૧.૧), ૧૧મીના રોજ સાંજે ૭.૦૬ થી ૭.૧૨ સુધી (તીવ્રતા માઈનસ ૨.૪), ૧૨મીએ સાંજે ૬.૧૮ થી ૬.૨૫ સુધી (તીવ્રતા માઈનસ ૪.૨), ૧૪મીએ સાંજે ૬.૨૧ થી ૬.૨૫ સુધી (તીવ્રતા માઈનસ ૦.૫)અને ૧૭મીએ સવારે ૬.૦૮થી ૬.૧૨ સુધી (તીવ્રતા ૦.૮) પસાર થશે.