વડોદરા, તા.૧૨ 

કેન્દ્ર, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા સહિત સરકારી કચેરીઓમાં સિટિઝન ચાર્ટરના અમલની સૂચના આપતા મોટા બોર્ડ લગાડવામાં આવે છે પરંતુ તેનો અમલ બોર્ડમાં લખાણ પૂરતો જ થાય છે તેવો અનુભવ આજે વડોદરાની જીપીઓ ખાતે સિનિયર સિટિઝનોને થયો હતો. પોસ્ટ ખૂલે તે પહેલાં જ બહાર લાંબી કતારો લાગેલી જાેવા મળી હતી.

કેન્દ્ર, રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ તેમજ પાલિકાની કચેરીઓમાં કયા કામ માટે કેટલો સમય તે અંગે સિટિઝન ચાર્ટરના મોટા બોર્ડ કચેરીઓની બહાર લગાડવામાં આવ્યા છે પરંતુ કામ થવાના સમયની વાસ્તવિકતા અલગ જ હોય છે. પોસ્ટ વિભાગમાં ગ્રાહકોને સેવાઓ ઝડપથી મળી રહે તે માટે પોસ્ટ ઓફિસની બહાર સિટિઝન ચાર્ટર અંગે બોર્ડ લગાડવામાં આવ્યું છે જેમાં કેટલા સમયમાં કયું કામ પૂર્ણ થશે તે અંગેની વિગતો દર્શાવવામાં આવી છે.

પરંતુ વાસ્તવિકતા અલગ જ છે. પોસ્ટ વિભાગમાં વિવિધ કામો માટે આવતા ગ્રાહકોના કામો સમયસર થતા નથી તેવી ફરિયાદો કેટલાક સિનિયર સિટિઝનોએ કરી હતી. પોસ્ટ ઓફિસ ખૂલે તે પહેલાં જ બહાર લાંબી કતારો લાગેલી જીપીઓની બહાર જાેવા મળી હતી અને પૈસા ભરવા, ઉપાડવા કે અન્ય કામો માટે એક કલાકથી વધુ સમય લાઈનમાં ઊભા રહેવું પડે છે તેમ સિનિયર સિટિઝનોએ જણાવ્યું હતું. જેથી ગ્રાહકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સરકાર દ્વારા સિટિઝન ચાર્ટરની માત્ર વાતો કરવામાં આવે છે પરંતુ પોસ્ટ વિભાગમાં પૂરતો સ્ટાફ નહીં હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ હતી.