મહેસાણા,તા.૨૫ 

દિવસભર ઉકળાટ બાદ રાત્રે ૮ થી ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા મહેસાણા જિલ્લામાં સૂકાઇ રહેલા ઊભા પાકને જીવતદાન મળ્યું છે. લાંબા સમયના વિરામ બાદ ઉત્તર ગુજરાતનામહેસાણા શહેરમાં રાત્રે ૮થી ધોધમાર સતત દોઢ કલાક સુધી વરસાદ પડ્યો હતો.ત્યારબાદ વરસાદની ગતિ ધીમી પડી હતી. જેથી લોકોએ થોડો રાહતનો દમ લીધો હતો. રાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે શહેરના ગોપીનાળા, અરવિંદ બાગ રોડ, અર્બન બેંકથી માલ ગોડાઉન રોડ, મોઢેરા રોડ સ્વામિનારાયણ મંદિરથી ટહુકો પાર્ટી પ્લોટ, ડેરી રોડ, ભમરિયું નાળું, નાગલપુર કોલેજ પાસે, હીરાનગર ચોક સહિતના વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ફરી વળતાં ઘણા વાહનચાલકો અટવાઇ પડ્યા હતા. ચાર ઇંચ વરસાદથી કેટલાંક વિસ્તારોમા વીજ ઢૂલ થઇ જતા લોકો અંધારામાં અટવાયા હતા. મહેસાણાની જેમ કડી શહેરમાં પણ રાત્રે ૮થી ૧૨ એમ ચાર કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ થોળ રોડ પર અંડરપાસમાં આઠ ફૂટ જેટલું પાણી ભરાઇ ગયું હતું. જેથી વાહનવ્યવહારને અસર પહોંચી હતી. અંડરપાસમાં ભરાઇ ગયેલા પાણીથી ૨ આઇસર ટ્રક ફસાઇ ગઇ હતી. આ બંને આઈશરના ચાલકોને લોકો અને પાલિકા સત્તાધીશો દ્વારા તાત્કાલિક રીતે રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા હતા.રાત્રે ૮થી ૧૦માં ૬૧ મીમી અને ૧૦થી ૧૨માં વધુ ૩૧ મીમી વરસાદ નોંધાયો હતો. જેને કારણે નીચાણ વિસ્તારની સોસાયટીઓ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતાં રહીશોના જીવ અધ્ધર થઇ ગયા હતા. જોકે ત્યારબાદ વરસાદનું જાેેર ધીમુ પડતા પાલિકા સહિત લોકોએ પણ થોડી રાહત અનુભવી હતી.