મુંબઇ 

કાજલ અગ્રવાલ પોતાના લોન્ગટાઈમ બોયફ્રેન્ડ ગૌતમ કિચલૂ સાથે 30મી ઓક્ટોબરે લગ્નના બંધનમાં બંધાઈ. એક્ટ્રેસે મહામારીની વચ્ચે લગ્ન કરવાનું કેમ નક્કી કર્યું તે અંગેનો ખુલાસો હાલમાં જ કર્યો હતો. કાજલે જે કારણ આપ્યું તે તમારું દિલ પણ ચોક્કસ જીતી લેશે. 

એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં, કાજલે જણાવ્યું કે, તેણે અને ગૌતમે લગભગ ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યું અને બાદમાં તેઓ સાત વર્ષ સુધી ફ્રેન્ડ્સ રહ્યા. તેના જણાવ્યા પ્રમાણે, તેઓ મિત્ર બનવાના દરેક તબક્કે આગળ વધ્યા છે અને એકબીજાના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે. 

કાજલે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ એકબીજાને મળવા માટે ટેવાયેલા હતા. કોઈ પાર્ટી હોય કે પછી પ્રોફેશનલ મીટિંગ, તેઓ હંમેશા સાથે જતા હતા. જો કે, લોકડાઉન દરમિયાન તેઓ ઘણા અઠવાડિયા સુધી મળી શક્યા નહીં. તે સમયે બંનેને સમજાયું કે, તેઓ એકબીજાની સાથે રહેવા ઈચ્છતા હતા. 

કાજલે ખુલાસો કરતાં કહ્યું કે, જ્યારે રોમાન્સની વાત આવે ત્યારે ગૌતમ એ બાબતમાં સહેજ નબળો છે. તે ફિલ્મી ટાઈપ નથી. તે આ માટે આભારી છે કારણ કે તેણે ફિલ્મોમાં આ બધુ કરી લીધું છે. તેથી કોઈએ પણ પ્રપોઝલ મૂક્યું નહોતું. બંને વચ્ચે ઈમોશનલ વાતચીત થયા બાદ નિર્ણય લીધો હતો. એક્ટ્રેસે ઉમેર્યું હતું કે, ગૌતમ પોતાની લાગણીઓ સહજતાથી વ્યક્ત કરે છે. ગૌતમે તેને કહ્યું હતું કે, તે પોતાનું ભવિષ્ય તેની સાથે જુએ છે અને આ બાબતે તે પ્રામાણિક છે. 

કાજલ અગ્રવાલ લગ્ન થયા ત્યારથી સતત તસવીરો શેર કરી રહી છે. જેમાં તે અત્યંત સુંદર લાગી રહી છે. કાજલે પહેરેલા લાલ લહેંગાની વાત કરીએ તો, ફેમસ ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાએ તેને ડિઝાઈન કર્યો હતો. લહેંગાનો બેઝ લાલ ફેબ્રિક હતું. રિપોર્ટ્સ પ્રમાણે, કાજલનો લહેંગો તૈયાર થવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો અને તેને બનાવવા માટે રોજ લગભગ 20 લોકો કામ કરતા હતા. 

અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કાજલે કહ્યું હતું કે, લગ્ન પછી પણ તે ફિલ્મો કરતી રહેશે. બીજી તરફ ગૌતમ કિચલૂની વાત કરીએ તો, તે એક બિઝનેસમેન છે. તે ઈન્ટિરિયર ડિઝાઈન અને હોમડેકોર સાથે જોડાયેલી ઈ-કોમર્સ પ્લટફોર્મ 'ડિસર્ન લિવિંગ (Discern Living)ના ફાઉન્ડર છે.