વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. દિવસે દિવસે સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. આજે વધુ ૭૬ કોરોનાના દર્દીઓના મોત નિપજતા શહેરના સ્મશાનોમાં મૃતદેહોના ખડકલા થઇ જવા પામ્યા છે. જેને લઈને મોતનો મલાજાે જાળવવામાં તંત્રની ધરાર નિષ્ફળતા છતી થવા પામી છે. શહેરના મોટાભાગના સ્મશાનોમાં અર્ધ બળેલા અનેક મૃતદેહો તંત્રના ગેરવહીવટની ચાડી ખાય છે.

આ સંજાેગોમાં ઉભી થયેલી કટોકટીભરી સ્થિતિમાં દિવસે દિવસે કોરોનાને લઈને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહયા છે. આજે વધુ ૭૬ લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જયારે અત્યાર સુધીના આ તબક્કાના સૌથી વધુ ૪૬૧ વ્યક્તિઓ પોઝિટિવ આવતા આવા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાનો વ્યાપ એટલા મોટા પ્રમાણમાં જાેવા મળી રહ્યો છે કે દર્દીઓ જલ્દી સાજા થતા નથી.તેમજ એમનામાં કોઈને કોઈ નવા સિમટમ્સ જાેવા મળતા તબીબી આલમ પણ કોરોનાની ચાલને પારખી શકતું નથી. જેને કારણે આજે સરકારી હોસ્પિટલોમાંથી પાંત્રીસ દર્દીઓને જ રજા આપવામાં આવી છે. જયારે ખાનગી હોસ્પિટલોમાંથી ૪૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાંથી માત્ર ૭૭ને રજા અપાઈ છે. જયારે રજા અપાયેલા કુલ ૩૨૩ દર્દીઓમાં તો ૨૪૬ હોમ ક્વોરોનટાઇનના દર્દીઓનો સમાવેશ થાય છે. આવી દારુણ વકરતી જતી પરિસ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના સંક્રમિતોના કેસો સતત વધી રહ્યા છે. જેમાં આજે વધુ ૪૬૧ પોઝીટીવ દર્દીઓનો ઉમેરો થવા પામ્યો છે. જયારે બિનસત્તાવાર રીતે મૃતાંક ૭૬ છે.જે આંક મોડી સાંજે નેવુંને વટાવી ગયાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ નફ્ફટ તંત્ર સત્યનો સ્વીકાર કરવાને બદલે હજુ સત્તાવાર માત્ર બેના મોતને બહાલી આપી રહ્યું છે. અત્યાર સુધીના કુલ ૩૪૯૮૫ દર્દીઓમાં આજના ૪૬૧ દર્દીઓના વધારા સાથે એનો આંક ૩૫૪૪૬ સુધી પહોંચ્યો છે. જે આ તબક્કાનો વિક્રમી આંક છે. આજે વડોદરા શહેરના ૨૯ જેટલા અને વડોદરા ગ્રામ્યના ૧૯ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. આમ શહેર જિલ્લાના ૫૦ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વિસ્તરતા એ બાબત ચિંતાનો વિષય બની ચુકી છે. આજરોજ લેવાયેલા ૬૨૭૭ સેમ્પલોમાંથી ૫૮૧૬ નેગેટિવ અને ૪૬૧ પોઝિટિવ આવ્યા છે. જયારે સરકારી દફતરે સત્તાવાર રીતે ગણાયેલા ૨૮૧ મૃતાંકમા વધુ બેનો ઉમેરો થતા સરકારી ચોપડે મૃતાંકની સંખ્યા ૨૮૩ સુધી પહોંચી છે. હાલમાં કુલ ૪૯૩૪ જેટલા કોરોના પોઝિટિવના દર્દીઓ દાખલ છે. જેમાં ૪૫૪૨ સ્ટેબલ,૨૪૩ ઓક્સિજન ઉપર અને ૧૪૯ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. આજે સરકારી હોસ્પિટલોમાંથી ૩૫ અને ખાનગી હોસ્પિટલોમાંથી ૪૨ તેમજ હોમ આઇસોલેશનમાંથી ૨૪૬ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ દિવસ દરમ્યાન ૩૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગતરોજ સુધી કરાયેલા ૨૯૯૦૬ દર્દીઓમાં વધુ ૩૨૩નો ઉમેરો થતા સંખ્યા ૩૦૨૨૯ થતા હવે એનો આંકડો ત્રીસ હજારને આંબી ગયો છે. કોવિદઃ૧૯ના જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હોય છે.તેઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને હોમ ક્વૉર્ટનટાઇન કરવામાં આવે છે. આવી ૯૬૮૫ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરાઈ છે. આમ હાલના તબક્કે કોરોનાની સ્થિતિ દિવસે દિવસે અત્યંત વિકટ બની રહી છે. જેને લઈને ખુદ તંત્રના આયોજકો પણ ગણતરીઓ ઉંધી પડતા માથું ખંજવાળી રહ્યા છે, એટલુંજ નહિ કોરોનાના કહેર સામે તંત્ર વામણું સાબિત થયું છે. જયારે કોરોના દિવસે દિવસે વામનમાંથી વિરાટ પછીથી હવે તો સંક્રમણ અને મોતના બંને મામલે મહાકાય સ્વરૂપે નજરે પડી રહ્યો છે.એવી લાગણી વડોદરાના શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોમાં પ્રવર્તી રહી છે.

વડોદરા શહેર અને ગ્રામ્યના ૫૦ જેટલા વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં વધારો નોંધાયો

વડોદરા શહેરના અંદાજે ૨૯ જેટલા અને ગ્રામ્યના અંદાજે ૧૯ જેટલા મળીને કુલ ૪૮ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ પ્રસર્યું છે. અલબત્ત ગતરોજ કરતા એમાં બાર વિસ્તારોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધેલો જાેવા મળ્યો છે. જે અડધી સદી જેટલા વિસ્તારોને આંબી ગયેલો મોડી સાંજે જાેવા મળ્યો હતો. શહેરના જે ૨૯ વિસ્તારોમાં કોરોનાના કેસો જાેવા મળ્યા છે.એમાં સ્વાદ, વારસિયા, સમા, પાણીગેટ, ગાજરાવાડી, કપુરાઇ, યમુનામીલ, જેતલપુર, કિશનવાડી, ગોત્રી, અકોટા, માંજલપુર, ગોરવા, બાપોદ, રામદેવનગર. કારેલીબાગ, નવાયાર્ડ, દિવાળીપુરા, વાઘોડિયા રોડ, ફતેપુરા, હાથીખાના, શિયાબાગ, એકતાનગર, દંતેશ્વર, વડસર, મકરપુરા, તરસાલી, અલકાપુરી અને અટલાદરા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.જયારે ૧૯ ગ્રામ્યના વિસ્તારોમાં ડભોઇ, કરજણ, દુમાડ, શિનોર, રણોલી, પદમલા, પાદરા,સાવલી,ડભાસા, નંદેશરી, લતીપુર, સોખડા, વાંકાનેર, લસુન્દ્રા, પોઇચા,ભાદરવા,કેલનપુર, દેણા અને વાઘોડિયા વિસ્તારોનો સમાવેશ થાય છે.

પાલિકાની ટીમો દ્વારા પ્રજાને જાગૃત કરવાનું કામ કરાયું

મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે અધિકારીઓની ખાસ જાેઇન્ટ એનફોર્સમેન્ટ ટીમ (જેટ)ની રચના કરવામાં આવી છે, વિવિધ સ્થળોએ ચેકીંગ દરમિયાન કોવિડ–૧૯ની ગાઇડલાઇનનું પાલન થતું ન હોવાને કારણે જાહેર આરોગ્યના હિતમાં તેમજ માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરનાર પાસેથી રૂ.૨૩,૬૦૦/-ના દંડની વસુલાત કરવામાં આવી હતી.ગતરોજ સાંજે ઉમા સર્કલ ખાતેની ત્રણ દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ના થતા વોર્ડ ઓફિસની ટીમ દવારા દુકાનને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.મનપા અને પોલીસની સંયુક્ત ટીમ દવારા કોઠી ચાર રસ્તા ખાતે, કપુરાઈ ચોકડી ખાતે અને એમજીવીસીએલ ઓફિસ ખાતે, ન્યુ વીઆઈપી રોડ ખાતે અર્થ આઇકોન કોમ્પલેક્ષની વિવિધ દુકાનોમાં, ચાપાનેર દરવાજા અને યાકુતપુરા ખાતે રાહદારીઓને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને માસ્ક પહેરવા માટેનું એનાઉનસમેન્ટ કરાયું હતું તેમજ માર્ગદર્શિકાના લિફ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

શહેરની ૧૮૩ હોસ્પિટલોને ૨૨૯૦ ડોઝ રેમડેસિવિર ફાળવ્યા

નોડલ અધિકારીઓની દેખરેખ હેઠળ કોવિડના દર્દીઓની સારવારમાં ઉપયોગી રેમડેસીવર ઇન્જેક્શનની માન્ય ખાનગી હોસ્પિટલોને ફાળવણી કરવામાં આવી રહી છે. આ અંગે જાણકારી આપતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી અને નોડલ અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું કે આજે ૧૮૩ હોસ્પિટલોને ૨૨૯૦ ડોઝ ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૯૩૨૫ ડોઝ ફાળવી દેવાયા છે.એમ તેઓએ ઉમેર્યું હતું.

કુંભમેળામાંથી વડોદરા આવતા યાત્રિકોની ચકાસણી માટે આયોજન કરાયું

કોવિડનું સંક્રમણ અટકાવવાની તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારે કુંભમેળામાંથી પરત ફરનારા મુસાફરોને લગતી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપ, રેલવેના ડીઆરએમ, એરપોર્ટ ડાયરેકટર, પોલીસ કમિશ્નનરની કચેરી, પોલીસ અધિકક્ષક અને આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી આયોજન કર્યુ હતું. આ બેઠકમાં કુંભમેળામાંથી શહેર કે જિલ્લામાં પરત આવતા મુસાફરોના ટેસ્ટિંગની વિમાની મથકે અને રેલવે સ્ટેશન ખાતે સ્વેબની ચકાસણી માટે બુથોની વ્યવસ્થા કરવા જરૂરી આદેશ કરવામા આવ્યા હતા.

શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૯૭ અને ગ્રામ્યમાં ૧૮૯ કેસ

કોરોનાના બીજા તબક્કામાં વડોદરા શહેરમાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૪૬૧ કેસ નોંધાયા છે. જેમાં વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૯૭ કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્યમાં ૧૮૯ કેસ નોંધાયા છે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં ૪૨, ઉત્તરમાં ૭૨ અને દક્ષિણમાં ૬૧ કેસ નોંધાયા છે. અલબત્ત અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં સૌથી વધુ કેસો ઉત્તર ઝોનમાં ૬૯૪૩ નોંધાયા છે. જયારે ગ્રામ્યમાં ૧૦૦૩૯ કેસ નોંધાયા છે. સૌથી વધુ મોત ગ્રામ્યમાં અને ઉત્તર ઝોનમાં ૬૪-૬૪ અને શહેરની વાત કરવામાં આવે તો ઉત્તર ઝોનમાં ૬૪ નોંધાયા છે. આ ઉપરાંત પૂર્વમાં ૪૮,પશ્ચિમમાં ૫૦, દક્ષિણમાં ૫૭ વ્યક્તિઓના મોત નોંધાયા છે.

સમરસ કોવિડ હોસ્પિટલ માટે વેન્ટિલેટર આવી ગયા...

સમરસ હોસ્ટેલ ખાતે સયાજી હોસ્પિટલની વિસ્તરણ પાંખના રૂપમાં કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. આ નવી સુવિધા ખાતે પ્રસ્થાપિત કરવા માટે વેન્ટિલેટર આવી ગયા છે જે સ્થળ પર મોકલવામાં આવી રહ્યાં છે.જેની આજરોજ નર્મદા મંત્રી યોગેશ પટેલ, મેયર કેયુર રોકડીયા,ડેપ્યુટી મેયર નંદાબેન જાેશી, ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ,પાલિકા કમિશનર પી.સ્વરૂપ, ડો.શિતલ મિસ્ત્રી, ડો.રંજન ઐયર, ધારાસભ્યો જીતુ સુખડીયા,સીમા મોહિલે વગેરેએ મુલાકાત લીધી હતી.

બાપ્સ અટલાદરાથી ૨૦ દર્દીઓને રજા અપાઈ

બાપ્સ,અટલાદરા ખાતેની કોવિડ હોસ્પિટલમાં ૧૩૫ દર્દી દાખલ છે જે પૈકી સાજા થયેલા ૨૦ દર્દીઓને રજા આપવામાં આવી છે. અગાઉ પણ અહીથી ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી હતી. અહીં દર્દીઓ વધુ સુવિધાજનક રીતે સારવાર લઈ શકે તે માટે સેમી એર કન્ડીશનિંગ સિસ્ટમ બેસાડવાનું આયોજન કરાઈ રહ્યું છે. જે બાબતે તંત્ર દ્વારા ચર્ચા વિચારણાઓ કરાઈ છે.