રાજકોટ-

રાજકોટમાં હત્યાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવમાં પિતાએ લગ્નમાં જતા પુત્રને સાથે લઈ જવાનું કહેતાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એમાં બોથડ પદાર્થ મારી પુત્રએ પિતાની હત્યા નિપજાવી હતી. હાલ યુનિવર્સિટી પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રૈયા ગામ વિસ્તારમાં રહેતા ઇમરાન તાયાણી નામના પુત્રએ માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકી પોતાના જ પિતા ફિરોઝભાઈ તાયાણીની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. શુક્રવારના રોજ પિતા સાથે જામનગર લગ્ન પ્રસંગ અર્થે જવા બાબતે પુત્રએ પિતા સાથે બોલાચાલી કરી હતી. જે બોલાચાલી માં પુત્ર ઉશેરાઈ જતા પિતાને માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંક્યો હતો. જેના કારણે પિતા ફિરોઝભાઇ તાયાણીને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સમગ્ર ઘટનાની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળ પર દોડી ગયેલા પોલીસ કાફલાએ જરૂરી નિવેદન નોંધી પંચનામા ની કાર્યવાહી પણ હાથ ધરી હતી. તો બીજી તરફ સારવાર દરમિયાન ફીરોઝભાઈ તાયાણી નું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.ત્યારે સમગ્ર મામલે પિતાની હત્યા કરનાર પુત્રની યુનિવર્સીટી પોલીસ દ્વારા અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ પરિવારજનો પણ ઇમરાન વિરૂદ્ધ ફિટકાર વરસાવી રહ્યા હોવાના દ્ર્‌શ્યો પણ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે સામે આવ્યા હતા. આવો જ બનાવ આજથી ૫ મહિના પૂર્વે જેતપુરમાં બન્યો હતો. જેતપુરના મોટાગુંદાળા ગામે રહેતા ખેડૂત મથુરભાઈ અમીપરાને પુત્ર સાથે બનતું ન હોઈ. એ માટે તેઓ પોતાનું મકાન પુત્રને આપીને અલગ રહેતા હતા. પછી તેઓ પોતાના ઘરે આવી હવે પોતાને પણ અહીં રહેવું હોય એમ પુત્રને કહેતાં પ્રથમ પુત્ર સાથે બોલાચાલી થઈ હતી અને ઝઘડો એટલો ઉગ્ર બની ગયો તો પુત્ર નરાધમ બનીને ઝઘડતો ઝઘડતો ઘરમાંથી દોરી લઈ પિતાને ગળેટૂંપો આપી દીધો હતો. ગળેટૂંપો આપવાથી પિતા પગ પછાડી તડફવા લાગ્યા, પરંતુ પુત્રને જરા પણ દયા ન આવી અને દોરી જાેરથી ખેંચી જ રાખતાં અંતે પિતાનું પ્રાણ પંખેંરુ ઊડી ગયું અને કપાતર પુત્રના હાથે પિતાની હત્યા નીપજ્યાનો કાળો ઇતિહાસ લખાઈ ગયો હતો.