વડોદરા, તા.૨૭ 

વડોદરા શહેર-જિલ્લામાં અલગ અલગ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાતના બનાવો હોસ્પિટલના દફતરે નોંધાયા હતા જેમાં એક પરિણીતા અને સેવાસદનના કર્મચારીનો સમાવેશ થાય છે. જેમાં સાવલીના અલિન્દ્રા નજીક જીઆઈડીસીની એસયુવી કંપની પાસે પરપ્રાંતીય પરિવારની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે કારેલીબાગ કલ્યાણનગર નવીનગરીમાં રહેતા અને કમાટીબાગમાં આવેલ વન વિભાગમાં નોકરી કરતા મુકેશ રામાભાઈ સોલંકી (ઉં.વ.૫૪) છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા જેથી તેઓ બીમારીથી કંટાળી જઈને આપઘાત કરી લીધો હતો.

આપઘાતના બનાવની પ્રાપ્ત વિગત અનુસાર સાવલી તાલુકાના અલિન્દ્રા ગામ નજીક આવેલ જીઆઈડીસીની એસયુવી કંપની પાસે પરપ્રાંતીય અંગુરીબેન ખડકસિંહ ધારવે (ઉં.વ.૨૩) તેના પતિ સાથે રહેતી હતી. ગઈકાલે પતિ ખડકસિંહ સાથે અગમ્ય કારણોસર ઝઘડો થતાં ઘરકંકાસથી ત્રાસી જઈને પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવની જાણ સાવલી પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.

જ્યારે આપઘાતના બીજા બનાવની વિગત અનુસાર કારેલીબાગ કલ્યાણનગર નવીનગરીમાં રહેતા અને કમાટીબાગમાં આવેલ વન વિભાગમાં નોકરી કરતા મુકેશ રામાભાઈ સોલંકી (ઉં.વ.૫૪) છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા. તેમની બીમારીનો ઉપચાર ચાલી રહ્યો હતો. તેઓ

બીમારીથી કંટાળી જઈને વન વિભાગમાં આવેલ ગાંડા બાવળના ઝાડ સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.