વડોદરા : રોજેરોજ સેંકડોની સંખ્યામાં કોરોનાના ખપ્પરમાં હોમાઈ રહેલા લોકોના સ્વજનોની પીડા જાણે વાંઝણી હોય એમ પાલિકાના નફફટ તંત્રે માહિતી અધિકાર હેઠળ એક સંવેદનશીલ નાગરિક દ્વારા કરાયેલી અરજીના જવાબમાં લેખિતમાં સત્તાવાર રીતે એમ જણાવ્યું છે કે તા.૭મી મે, ૨૦૨૧ સુધીમાં વડોદરામાં કોવિડના કારણે કેટલા મોત થયા તેની કોઈ માહિતી પાલિકા પાસે નથી! રોજે-રોજ વડોદરા શહેરના ર૮ સ્મશાનોમાં ચિતાઓ કતારબંધ ભડભડ બળી રહી છે તથા અનેક કબ્રસ્તાનોમાં માતમના ઓછાયા હેઠળ સેંકડોની દફનવિધિ થઈ રહી છે એવા સંજાેગોમાં સ્મશાનો અને કબ્રસ્તાનોનો વહીવટ જેના હસ્તક છે એવી વડોદરા પાલિકાના જન્મ-મરણ શાખાના સબ-રજિસ્ટ્રાર પોતાના હસ્તાક્ષર સાથે નફફટપણે જવાબ આપે છે કે, તા.૭ મે, ૨૦૨૧ સુધીમાં વડોદરામાં કોરોનાને લીધે થયેલા મૃત્યુની કોઈ માહિતી અત્રે ઉપલબ્ધ નથી!

હિંદવી સ્વરાજ સમિતિ નામની સંસ્થાના પંકજ કનૈયાલાલ દરવેએ તા.૭ એપ્રિલ, ૨૦૨૧ના રોજ અપેક્ષિત સત્તાવાર મજકુર પ્રમાણે પાલિકામાં અરજી કરી માહિતી અધિકાર અધિનિયમ ર૦૦પ હેઠળ માહિતી આપવા અરજી કરી હતી. જેમાં મૃત્યુઆંક સહિતના અનેક પ્રશ્નોની માહિતી માગી હતી.આ અરજીનો સત્તાવાર જવાબ તા.૭મે, ૨૦૨૧ના રોજ પાલિકા દ્વારા અરજદારને આપવામાં આવ્યો, તેમાં આ ગંભીર મહામારી અને તેમાં લેવાઈ રહેલા નિર્દોષ નાગરિકોના ભોગ અંગે પાલિકાના સત્તાધીશો કેટલા નિંભર અને નફફટ છે તે સ્પષ્ટપણે જણાઈ આવે છે.ચોંકાવનારી બાબત તો એ છે કે આ અરજીમાં પૂછાયેલા અન્ય એક પ્રશ્નના જવાબમાં પાલિકાના અધિકારી જવાબ આપે છે કે, હાલમાં વડોદરા મનપાની હદ વિસ્તારમાં આવેલા ર૮ સ્મશાનોનો વહીવટ જન્મ-મરણ શાખા દ્વારા કરવામાં આવે છે. જાે વહીવટ આ ખાતા દ્વારા ચાલતો હોય તો સ્મશાનોમાં કેટલા મૃતદેહોની અંતિમવિધિ થઈ એનો આંકડો જ ખાતા પાસે નથી! એનાથી પણ ગંભીર બાબત એ છે કે માહિતી અધિકાર હેઠળના આ જવાબમાં પાલિકાના અધિકારી કહે છે કે હાલ મનપાની હદમાં ૨૯ સ્મશાનો છે તેમાંથી ર૮ કાર્યરત છે, પરંતુ માત્ર ૧૨ સ્મશાનોમાં જ કોવિડના મૃતકોની અંતિમવિધિ કરવામાં આવે છે. આ સ્મશાનોમાં ખાસવાડી, અકોટા, ગોત્રી, વાસણા, નિઝામપુરા, ફતેગંજ, હરણી, કલાલી, વેમાલી, તરસાલી, દંતેશ્વર અને જાગનાથ સ્મશાનોનો સમાવેશ થાય છે. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું બાકીના ૧૬ સ્મશાનોમાં કોવિડના કોઈ મૃતકની અંતિમવિધિ થઈ જ નથી!!કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અંતિમવિધિઓ થઈ હોવાથી માહિતી નથી એવો બચાવ કરનાર પાલિકાના સત્તાધીશો કેટલા મૃતકોની અંતિમવિધિ થઈ તેનો આંકડો તો આપી જ શકે, પરંતુ કોવિડની મહામારી અંકુશમાં છે એવી છાપ ઊભી કરવા સરકાર અને તેના ઈશારે કામ કરતા સરકારીતંત્રે મૃતકોના આંકડા છૂપાવવાની ગુનાહિત પ્રવૃત્તિ પહેલા જ દિવસથી કરી લોકોને અંધારામાં રાખ્યા, જેને કારણે લોકોએ પણ મહામારીને ગંભીરતાથી ન લેતાં કોરોના વધીને વધુ વકર્યો એવું તો હવે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ ખૂલ્લેઆમ કહે છે.