મુંબઇ 

લોખંડી પુરુષથી ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 145મી જયંતિ પર કંગના રનૌતે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે જ તેણે ગાંધીજી અને પંડિત જવાહરલાલ નેહરુ પર નિશાન સાધ્યું છે. કંગનાએ સરદાર પટેલના બલિદાન માટે ગાંધીજીને જવાબદાર ગણાવ્યા છે. સાથે જ પટેલે સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન પદનું બલિદાન આપ્યું તે માટે દુઃખ જતાવ્યું.  

કંગનાએ પહેલા ટ્વીટમાં લખ્યું છે, 'તેમણે ગાંધીજીની ખુશી માટે ભારતના પહેલા વડાપ્રધાનના રૂપમાં સૌથી યોગ્ય અને નિર્વાચિત પદ નકારી દીધું, કારણકે તેમને (ગાંધીજી) લાગતું હતું કે નેહરુ સારું અંગ્રેજી બોલે છે. સરદાર વલ્લભભાઈ પટેલને નુકસાન ન થયું પણ દેશે દાયકાઓ સુધી આનું પરિણામ ભોગવ્યું. આપણા માટે જે યોગ્ય છે તેને આપણે કોઈ શરમવગર છીનવી લેવું જોઈએ.'

કંગનાએ આગળના ટ્વીટમાં સરદારને ભારતના અસલી લોહપુરુષ ગણાવીને લખ્યું, 'મારું માનવું છે કે ગાંધીજી નેહરુની જેમ એક નબળા મગજના વ્યક્તિ ઇચ્છતા હતા જેથી તે ખુદ સામે રહીને દેશને કંટ્રોલ કરી શકે અને તેને ચલાવી શકે. પ્લાન સારો હતો પરંતુ ગાંધીજીની હત્યા બાદ જે થયું, તે ડિઝાસ્ટર હતું.'


અન્ય ટ્વીટમાં કંગનાએ લખ્યું છે, 'ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. તમે એ વ્યક્તિ છો જેમણે અમને આ અખંડ ભારત આપ્યું. પરંતુ વડાપ્રધાન પદનું બલિદાન આપીને તમે અમને તમારા મહાન નેતૃત્ત્વ અને વિઝનથી દૂર લઇ ગયા. અમને તમારા નિર્ણયનો ઘણો અફસોસ છે.'