મુંબઈ-

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ શરૂ થયેલ શિવસેના અને બોલિવૂડ અભિનેત્રી કંગના રાનાઉત વચ્ચેનો વિવાદ પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. કંગના રાનાઉત તેની ઓફિસ જોવા માટે પહોંચી હતી. તેઓએ લગભગ 10 મિનિટ સમીક્ષા કરી, ત્યારબાદ તે ઘરે પરત ફરી. આને લગતી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.

ગઈ કાલે કંગના રાનાઉતની ઓફિસ પર BMC એ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેનો નિર્ણય બોમ્બે હાઈકોર્ટે 22 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખ્યો છે. કંગના હિમાચલથી મુંબઇ પરત ફરે તે પહેલાં જ BMC એ બુધવારે કંગના રાનાઉતની ઓફિસનો ભાગ તોડી નાખ્યો હતો. 

તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા બોમ્બે હાઈકોર્ટે અભિનેત્રી કંગના રાનાઉતની ઓફિસના ગેરકાયદે બાંધકામો તોડવાની પ્રક્રિયા બંધ કરાવી દીધી હતી. કોર્ટે BMC ને એ પણ પૂછ્યું હતું કે જ્યારે માલિક (કંગના) ત્યાં હાજર ન હતી ત્યારે અધિકારીઓ શા માટે મિલકતમાં પ્રવેશ્યા. 

તે જ સમયે, શિવસેનાએ મુખપત્ર 'સામના' ના મરાઠી સંસ્કરણના પહેલા પેજ પર BMC ની કાર્યવાહી અંગેના સમાચાર લખ્યાં છે. આ સમાચારની હેડલાઇન છે - 'ઉખાડ દિયા' તેમાં કંગનાની ઓફિસ પર ચાલેલા બુલ્ડોઝર વિશે પણ માહિતી આપવામાં આવી છે. આ સાથે જ સમાચારમાં કંગના રાનાઉતની મુંબઈ પાકિસ્તાનની કબજા હેઠળના કાશ્મીર સાથેની તુલનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર મામલે એનસીપીના પ્રમુખ શરદ પવારની ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.