ઉત્તરપ્રદેશ,

બિકારુ ગામમાં એક સીઓ સહિત 8 પોલીસકર્મીની હત્યા કર્યા બાદ ફરાર થયેલા મુખ્ય આરોપી વિકાસ દુબેની પત્ની રિચા દુબેની શોધમાં પોલીસ દરોડા પાડી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 2 જુલાઈના રોજ બપોરે 2 વાગ્યે વિકાસ દુબેએ તેની પત્ની રિચા દુબેને ફોન કર્યો અને ભાગી જવા કહ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, રિચા પુત્ર સાથે ભાગી ગઈ હતી. આમ, પતિ વિકાસ દુબેના દરેક ગુનામાં રિચા સાથે રહી છે.

કાનપુર એન્કાઉન્ટર કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે વિકાસના મકાનમાં રહેતા સુરેશ વર્મા, મેઇડ રેખા અને વિકાસ દુબેની પુત્રવધૂ હોવાનું જણાતા ક્ષમા દુબેની પણ ધરપકડ કરાઈ છે. આ અંગે પોલીસનું કહેવું છે કે, સુરેશ ઘટના સમયે બદમાશોને પ્રોત્સાહિત કરી રહ્યો હતો અને પોલીસકર્મીઓ વિશે ગુપ્ત માહિતી આપતો હતો.

બીજી એક રેખા નામની મહિલાને ઝડપી પાડવામાં આવી છે, જે દયાશંકર અગ્નિહોત્રીની પત્ની છે, જેણે પોલીસ આવી હોવાની માહિતી આપી હતી. જ્યારે આ હુમલામાં પોલીસકર્મીઓએ પોતાનો જીવ બચાવવા માટે દરવાજો ખટખટાવ્યો હતો, ત્યારે ક્ષમા દુબે દરવાજો ખોલ્યો ન હતો અને છત પર જતી રહી હતી અને હુમલાખોરોને જણાવ્યું હતું કે, અહીં પોલીસ હાજર છે.

કાનપુરમાં કુખ્યાત હિસ્ટ્રી શીટર વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા છે. આ ફાયરિંગમાં 6 પોલીસકર્મીઓ સહિત 7 લોકો ધાયલ થયા હતાં. વિકાસ ઉત્તરપ્રદેશનો કુખ્યાત હિસ્ટ્રી શીટર છે. STFએ વિકાસ દુબેને 31 ઓક્ટોબર, 2017ના રોજ લખનઉના કૃષ્ણાનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.