વડોદરા : બાલાજી અગોરા મોલના બિલ્ડર આશિષ શાહ દ્વારા ખોટી માહિતી દર્શાવી લોન, વડોદરામાં એરપોર્ટની એનઓસી કરતાં કરેલ વધારાનું બાંધકામ મુદ્‌ે તમામ ઓથોરિટીને ફરિયાદ-રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે બાલાજી અગોરા મોલના સંચાલક સામે કાયદાકીય પગલાં ભરવાની માગ પૂર્વ ધારાસભ્ય અને પર્યાવરણવિદ્‌ દ્વારા કરાઇ છે. પૂર્વ ધારાસભ્ય અને પર્યાવરણવિદ્‌ ડો. કનુભાઈ કલસરિયાએ જણાવ્યું હતું કે, બાલાજી ઓગરા મોલના બિલ્ડર આશિષ શાહ દ્વારા વડોદરાના બાલાજી અગોરા સિટી સેન્ટરના પ્રોજેક્ટ માટે એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સમાંથી રૂા.૪૦૧.૭૦ કરોડની પ્રોજેક્ટ લોન લેવા માટે સિકયુરિટી માટે મોર્ગેજ કરવામાં આવેલ વડોદરા ખાતેના બાલાજી અગોરા સિટી સેન્ટરના પ્રોજેકટ તથા મહેસાણા ખાતેના બાલાજી સ્ટેટસના ૫૧ રેસિડેન્સિયલ ફલેટ તથા સુઘડ ગાંધીનગર ખાતેના બાલાજી અગોરા મોલની અલગ અલગ ૪પ શોપ્સ અને એક મલ્ટિપ્લેક્સ મોર્ગેજ કરવામાં આવેલ છે જે વડોદરા ખાતેના બાલાજી અગોરા સિટી સેન્ટરના બાંધકામમાં વિકાસ પરવાનગી મુજબ ૧૭ માળનું બાંધકામ મંજૂર કરવામાં આવેલ છે પરંતુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલ એનઓસી મુજબ ૧૨ માળનું જ બાંધકામ મંજૂર થઈ શકે છે તથા વિશ્વામિત્રી નદીમાં પણ એક લાખ ચો.ફૂટનું દબાણ કરવામાં આવેલ છે, જેને એનજીટી દ્વારા દૂર કરવાનો આદેશ પણ કરવામાં આવેલ છે. મહેસાણા ખાતેના બાલાજી ફલેટના ૫૧ ફલેટ મોર્ગેજ પણ કરેલ છે. ખરેખર આ ૫૧ ફલેટન બાંધકામ ૩૮૦૦ ચો.મી.નું બાંધકામ હોાવ છતાં તેને ૭૯૨૭૨ સ્કેવર મીટરનું બાંધકામ કરાયું છે. સુઘડ-ગાંધીનગર ખાતેના બાલાજી અગોરા મોલની જુદી જુદી ૪૫ શોપ્સ તેમજ એક મલ્ટિપ્લેકસને મોર્ગેજ કરેલ છે. ખરી હકીકતે સદર મોલનું કુલ બાંધકામ ૧૬૯૯૬.૮૦ ચો.મી. બાંધકામ મંજૂર થયેલ છે જેમાં ૫૭૫થી વધારે શોપ્સ તથા પાંચ ઓડિટોરિયમ મંજૂર કરવામાં આવેલ છે જેની માત્ર ૪પ શોપ્સ તથા એક મલ્ટિપ્લેકસનું બાંધકામ ૭૨૯૮૩.૫૨ ચો.મી. બતાવવામાં આવેલ છે. આમ બાલાજી અગોરાના બિલ્ડર કૌભાંડી આશિષ શાહ દ્વારા દેશના ઈતિહાસમાં ક્યારેય ન વપરાઈ હોય તેવી મોડ્‌સ ઓપરેન્ડીથી રૂા.૪૦૧.૭૦ કરોડની લોન લેવાનું કૌભાંડ કરેલ છે. જે સંબંધે એરપોર્ટ ઓથોરિટી, કલેકટર વડોદરા, મ્યુનિ. કમિશનર, સીઆઈડી ક્રાઈમને અલગ અલગ રીતે રજૂઆત તેમજ ફરિયાદ પણ કરવામાં આવી હોવા છતાં આ કૌભાંડી બિલ્ડર આશિષ શાહને તમામ ઓથોરિટી દ્વારા કોઈપણ જાતની કાયદાકીય કાર્યવાહી ન કરી બચાવવામાં આવી રહ્યા છે. તે આ કૌભાંડની કાર્યવાહીથી બચવા માટે વિદેશ ભાગી જવાની તજવીજ કરી રહેલ છે, તેવી અમોને સચોટ જાણકારી હોઈ અમે સરકાર તેમજ જાહેર જનતાના હિતમાં આ કૌભાંડને ઉજાગર કરીએ છીએ તથા આશિષ શાહ વિરુદ્ધ સરકારના ઉપરોકત અલગ અલગ વિભાગો દ્વારા સત્વરે નક્કર કાયદાકીય કાર્યવાહી કરી પગલાં ભરવામાં આવે તેવી માગ કરી છે.