વડોદરા : વડોદરા જિલ્લાની કરજણ બેઠકના ઉમેદવાર અક્ષય પટેલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભરવા સમર્થકો સાથે તાલુકા સેવાસદન ખાતે અક્ષય પટેલ પહોંચ્યા હતા, જ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડયા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટતાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. આજે પાંચમા દિવસે પ્રથમ ઉમેદવારી નોંધાઈ હતી. 

આગામી તા.૩ નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ બાદ કોંગ્રેસે પણ તેના ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. તા.૧૬મી ઓક્ટોબરે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ચૂંટણીપંચ દ્વારા વર્તમાન કોરોનાની મહામારીના કારણે સભા, રેલીઓ, ઉમેદવારીપત્રો ભરતી વખતે સંખ્યા સહિતની ગાઈડલાઈન જાહેર કરી છે. ત્યારે આજે કરજણ વિધાનસભા બેઠકના તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયેલા ઉમેદવાર અક્ષય પટેલ તેમના મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકો સાથે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પૂજા-અર્ચના કર્યા બાદ તાલુકા સેવાસદન ખાતે ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા હતા, જ્યાં સમર્થકો, કાર્યકરોના ટોળાં જામતાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડયા હતા.

ઉમેદવારીપત્ર ભરવા પહોંચેલા અક્ષય પટેલના સમર્થકોની ભીડ તાલુકા સેવાસદન કચેરી બહાર એકઠા થતાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જાેવા મળ્યો હતો અને કોવિડ-૧૯ સંદર્ભે જારી કરાયેલી ગાઈડલાઈનના લીરેલીરા ઊડયા હતા. એક તરફ રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે તો બીજી તરફ પેટાચંૂટણીની જાહેરાત બાદ ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા કોરોનાની ગંભીરતા જાણે નેવે મુકી હોય તેમ કોવિડ-૧૯ના નીતિનિયમોના ધજાગરા ઉડાવતા હોવાનું સામે આવી રહ્યું છે.