વડોદરા : ચાંણોદ ખાતે આવેલા ત્રિકમજી મંદિર ટ્રસ્ટ સંચાલિત રામજી મંદિરના બ્રાહ્મણ પુજારી ઉપર હુમલો કરી કાઢી મુકાયા હોવાનો બનાવ બન્યો છે. જિલ્લા પોલીસવડા સમક્ષ પુજારીએ કરેલી રજૂઆતમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે કેટલાક માથાભારે અને ગુંડાતત્ત્વોએ ભેગા મળી મંદિરમાંથી મને અને મારી પત્નીને ધક્કા મારી કાઢી મુકયા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું જણાવતા ચકચાર મચી ગઈ છે.  

રામજી મંદિર ચાણોદ ખાતે છેલ્લા ૩૦ વર્ષથી પુજારી તરીકે નોકરી કરતા બુદ્ધિસાગર જાેશી સાથે થયેલા ગેરવર્તણૂક અને હુમલાના બનાવને લઈને ચાણોદમાં ભારે ઊહાપોહ મચી ગયો છે ત્યારે પોતાનો મત વિસ્તાર નહીં હોવા છતાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે જાતે રસ લઈ કરાવેલી આ કાર્યવાહીને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

હાલ ધારાસભ્ય અક્ષય પટેલના માથાભારે અને ગુંડાતત્ત્વોના હુમલાથી ફફડી ઊઠેલા બુદ્ધિસાગર જાેશી અને તેમની પત્ની દક્ષાબેન સાથે શિનોર તાલુકાના સેગવા ખાતે નાના ફળિયામાં રહે છે. ત્યાંથી એમને વડોદરા કોઠી કચેરી જિલ્લા પોલીસવડાની ઓફિસે આવી ન્યાય અને ધારાસભ્યના ગુંડાઓએ હુમલો કરી મંદિર ઉપર કરેલો કબજાે પરત અપાવવા માટે લેખિતમાં વિનંતી સાથે અરજી કરી છે. લેખિત ફરિયાદમાં પુજારીએ જણાવ્યું છે કે શિનોર તાલુકાના સેગવા ખાતે આવેલા ત્રિકમજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાણોદ ખાતે આવેલા શ્રીરામજી મંદિરનું સંચાલન થાય છે. મહારાજ ભરતદાસજી દ્વારા ટ્રસ્ટની સંમતિથી ૩૦ વર્ષ અગાઉ પુજારી તરીકે મારી નિમણૂક થઈ હતી અને રૂપિયા પાંચ હજાર પગાર પણ મને ચૂકવાતો હતો. છેલ્લા ૩૦ વર્ષથી હું રામજી મંદિરમાં પુજારી તરીકે સેવા આપતો હતો. ત્યારે આ મંદિરમાં સેગવા ગામના કેટલાક માથાભારે તત્ત્વો અને ગુંડાઓ તથા ધારાસભ્ય અક્ષય પટેલ જેવા લોકોએ ભેગા થઈ મને અને મારી પત્ની દક્ષાબેનને ધક્કો મારી મંદિરની બહાર ધકેલી દીધા હતા. અમારા ઘરનો સામાન બહાર કાઢી પોતાના પુજારીને મુકી ધમકી આપી ભયનું વાતાવરણ ખડું કર્યું હતું. અને જણાવ્યું હતું કે ધારાસભ્ય એટલે વિસ્તારનો રાજા કહેવાય એની વિરુદ્ધ પડશો તો જાનથી મારી નાખીશ અને લાશ જાહેરમાં ઝાડ ઉપર લટકાવી દઈશે. પરિણામે ફફડી ઊઠેલા બ્રાહ્મણ પુજારીએ ચાણોદના પીએસઆઈ ગામિત પાસે જઈ મદદ માગતાં ખુદ પીએસઆઈએ મદદનો ઈન્કાર કરી જણાવ્યું હતું કે, તમે પુજારી હતા એ મને ખબર છે પરંતુ ધારાસભ્ય સાહેબ છે એ જે કહે તે અમારે કરવું પડે, તમે તો શું તમારા ભગવાનને પણ એવું જ કરવું પડે તેમ કહી મંદિરનો અને ઘરનો કબજાે જબરદસ્તીથી લઈ લીધો છે. ત્યારે કોઈપણ જાતના યોગ્ય કારણ વિના મને કાઢી મુકી સત્તાનો દુરુપયોગ કરનાર અને રામના નામે હાલમાં જ જીત મેળવનાર ધારાસભ્યે રામ ભગવાનનું અપમાન કર્યું હોવાથી મને અને રામ ભગવાનને ન્યાય અપાવવા કડક કાર્યવાહી કરવાની માગ જિલ્લા પોલીસવડા સમક્ષ કરી છે.

ચાણોદના બ્રાહ્મણોમાં ભારે નારાજગી ફેલાઈ

રામજી મંદિર ચાણોદના પુજારીને કરજણના ધારાસભ્યએ મંદિર ખાલી કરાવતાં ચાણોદના બ્રાહ્મણોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને રાજ્ય બ્રહ્મસમાજના અગ્રણી અને ડભોઈના ધારાસભ્ય અને બ્રહ્મસમાજના દિગ્ગ્જ અગ્રણી શૈલેષ મહેતા (સોટ્ટા) પાસે મદદની આશા લઈને બેઠા છે. જ્યારે હારવાની અણી ઉપર આવી ગયેલા અક્ષય પટેલને શૈલેષ મહેતાએ જ જહેમત ઉઠાવી જીતાડયા છે તેમ છતાં એમના મત વિસ્તારમાં આવીને પુજારીનો સામાન બહાર કઢાવી નાખવાની પ્રવૃત્તિ સામે ભારે વિરોધ દર્શાવ્યો છે.

ધારાસભ્યોનો ત્રિવેણી સંગમ!

ચાંણોદ ત્રિવેણીસંગમ માટે જાણીતુ છે. ત્યારે હવે ધારાસભ્યોનો પણ ત્રિવેણી સંગમ થયો હોય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ચાણોદ ગામ ડભોઈ મત વિસ્તારમાં અને ધારાસભ્ય શૈલેષ સોટ્ટા છે જયારે અગાઉ વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ પોતાનીહોટલ માટે એક મંદિરની જમીન પચાવી પાડતા વિવાદ થયો હતો. ત્યાર બાદ હવે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો વિવાદ ઉભો થતાં ત્રણ ધારાસભ્યો ચાણોદ ખાતે ભેગા થયા હોવાનો ઘાટ ઘડાયો છે.