વડોદરા : કરજણના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેના પુત્ર રૂષિ પટેલ સહિત બાર લોકોના નામનો ઉલ્લેખ તેમજ ગંભીર આક્ષેપ કરતી ચિઠ્ઠી લખીને ત્રણ દિકરીઓના પિતા ભેદી સંજાેગોમાં ગુમ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે ગુમ થનાર વેપારીની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. કરજણના લીલોડ ગામમાં ૪૨ વર્ષીય હિતેશભાઇ એન.વાળંદ તેની ત્રણ દિકરીઓ અને પત્ની સાથે રહે છે.ઇલેટ્રીક અને ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી હિતેશભાઈ છેલ્લા ત્રણ ચાર દિવસથી ચિંતિત હતા. મંગળવારે બપોરે લગભગ બે-ત્રણ વાગ્યાની આસપાસ હિતેશભાઈ એકાએક ચાર પાનાનો પત્ર લખીને ગુમ થયા છે. પત્રમાં તેઓએ વ્યાજખોરો દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેમના પુત્રને મેઇન માણસો તરીકે ગણાવીને કુલ બાર લોકો સામે ગંભીર આક્ષેપો કરીને તેઓ ગુમ થયા છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલ કરજણ પોલીસે આ મામલે ગુમ થયેલા હિતેશભાઇની શોધખોળ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કરજણના ધારાસભ્યના પુત્રની વૈભવી કાર વડે વૃદ્ધનું અકસ્માત બાદ તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવને લઇને ધારાસભ્ય સામે સવાલો ઉઠ્‌યા હતા. હવે ધારાસભ્ય અને તેમના પુત્ર સહિત ૧૨ લોકો સામે વ્યાજખોરીના ગંભીર આક્ષેપો સામે આવતા લોકોમાં અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.ત્યારે કરજણ પોલીસે બનાવ અંગે સ્ટેશન ડાયરીમાં જાણવા જાેગની નોંધ કરીને હિતેશભાઈ વાળંદની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.