વડોદરા-

ઉતરાયણ ના દિવસે ધારદાર દોરી થી સાવલીમાં વિદેશી મહેમાન ગ્રે લેગ ગૂઝની પાંખ કપાઈ ગઈ એવી જાણકારી આપતાં પરિક્ષેત્ર વન અધિકારી નિધિ દવે એ જણાવ્યું કે જૂજ જોવા મળતું એક સિંગડીયું ઘુવડ ( ઇન્ડિયન ઇગલ આઉલ) પણ ઇજાગ્રસ્ત થતાં વડોદરા લાવી સારવાર કરવામાં આવી છે.તા.10 મી થી કરુણા અભિયાન હેઠળ પતંગ દોરાથી ઘાયલ પશુ પક્ષીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. 10 મી થી અત્યાર સુધીમાં કુલ 394 પક્ષી ઘાયલ થયાં એમાં ખૂબ મોટી સંખ્યામાં કબૂતર છે. હાલમાં ભૂતડીઝાંપા પશુ દવાખાના,પંડ્યા બ્રિજ પાસે પશુ ચિકિત્સાલય અને વન વિભાગની સયાજીબાગ નર્સરી ખાતે પશુપાલન અને વન વિભાગે સંયુક્ત રીતે ઘાયલ પશુપક્ષીઓ ની સારવાર ની વ્યવસ્થા કરી છે જ્યારે ઘવાયેલા પક્ષીઓની સારવાર ચાલે ત્યાં સુધી શેલ્ટર ની વ્યવસ્થા પણ નર્સરી ખાતે જ કરવામાં આવી છે.

હાલમાં બર્ડ ફ્લૂ ને લગતી તકેદારીઓ ની સૂચના હેઠળ સારવાર કરનારાઓની સુરક્ષા માટે 65 જેટલી પી.પી.ઈ. કિટ્સ અને હેન્ડ ગ્લોવ્ઝ અને સેનેતાઈઝર જેવી વ્યવસ્થાઓ કરી છે તેવી જાણકારી આપતાં નાયબ પશુપાલન નિયામક ડો.પ્રકાશ દરજીએ જણાવ્યું કે ઉતરાયણ ના દિવસે 174 ઘાયલ પક્ષીઓને અને 61 જેટલાં બીમાર પશુઓને સારવાર આપવામાં આવી .મોટેભાગે ઘૂઘરી વધારે ખાઈ લેવાથી ગાયો વધુ બીમાર પડે છે.ઘાયલ પક્ષીઓમાં કબૂતર,પોપટ, ચામાચીડિયું,કાગડો,બ્લેક આઇબિઝ,ગ્રે લેગ ગુઝ, પેઈનટેડ સ્ટોર્ક,લેપવિંગ,કોયલ,બતક,ટીટોડી,ચીબરી,ઈગલ બાજ નો સમાવેશ થાય છે.સારવાર કેન્દ્રો તારીખ 20 મી સુધી ચાલુ રાખવામાં આવશે અને ઘવાયેલા પક્ષીઓ પૂરેપૂરા સાજા ન થાય ત્યાં સુધી તેમને નર્સરી ખાતે આશ્રય હેઠળ રાખવામાં આવશે.