દિલ્હી,

આજે સવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો દ્વારા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પોલીસની માહિતી પછી અનંતનાગના કુલચોર વિસ્તારમાં એન્કાઉન્ટરની શરૂઆત થઈ હતી. મરેલાઆતંકવાદીઓમાં લશ્કરના બે આતંકવાદી અને એક હિઝબુલ કમાન્ડર મસુદ અહેમદ ભટ્ટનો સમાવેશ થાય છે.મસૂદ એ ડોડાનો એકમાત્ર આતંકી હતો જે જીવતો રહ્યો હતો. મસૂદના મોત પછી પોલીસે કહ્યું કે હવે ડોડા આતંક મુક્ત વિસ્તાર બની ગયો છે. આતંકીઓ પાસેથી Ak 47 સહિતના ઘણા ખતરનાક શસ્ત્રો મળી આવ્યા છે. એન્કાઉન્ટર પૂર્ણ થયું છે, હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

 ઉલ્લેખનીય છે કે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકને ખતમ કરવા માટે એક ઓપરેશન હાથ ધર્યું છે. આ મહિનામાં સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે એક ડઝનથી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા છે. શોપિયન, અવંતીપોરા સહિતના ઘણા વિસ્તારોમાં આ કામગીરી ચાલી રહી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે ગયા શુક્રવારે દાવો કર્યો હતો કે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓની હવે કોઈ હાજરી નથી. 1989 માં ખીણમાં આતંકવાદના ફાટી નીકળ્યા પછી, તે પહેલીવાર બન્યું હતું જ્યારે ત્રાલ આતંક મુક્ત બન્યું હતું.દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના ચેવા ઉલ્લાર વિસ્તારમાં સુરક્ષાદળો સાથે રાતોરાત મુકાબલામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા બાદ પોલીસે આ દાવો કર્યો હતો.