વડોદરા : દેશના અનેક રાજ્યોમાં કોરોનાએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે ત્યારે ર૪ કલાકમાં કોરોનાના કારણે ધારાશાસ્ત્રીના પિતા સહિત ૨૩૫ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે આજે પહેલીવાર ૮૦૦થી વધુ ૮૩૭ પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે વધુ ૯ દર્દીઓના મોત સાથે સત્તાવાર મૃત્યુઆંક ૩૬૭ થયો છે.

કોરોનાના કહેરને કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સ્વજનોને બેડ મેળવવા માટે રઝળપાટ કરવી પડી રહી છે. ઓક્સિજન અને કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઈન્જેકશનો મેળવવા માટે પણ સ્વજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને પણ પૂરતા ઈન્જેકશનો મળતા નથી, તંત્ર દ્વારા બેડ અને સુવિધા વધારવાના પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ તેનાથી વધુ પોઝિટિવ કેસ રોજ નોંધાઈ રહ્યા છે.

વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ધારાશાસ્ત્રીના પિતા સહિત ૨૩૫ લોકોના મોત નીપજ્યાં હતાં. જાે કે, તંત્ર દ્વારા સત્તાવાર વધુ ૯ વ્યક્તિઓના મૃત્યુ સાથે અત્યાર સુધી કોરોનાથી ૩૬૭ વ્યક્તિઓના મોત નીપજ્યાં હોવાનું જણાવ્યું હતું. જ્યારે કોરોનાના ટેસ્ટિંગ માટે ર૪ કલાકમાં લેવામાં આવેલા ૯૮૪૭ સેમ્પલો પૈકી અત્યાર સુધીના સર્વાધિક ૮૩૭નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આમ ગઈકાલે ૭૮૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા, જે આજે વધીને ૮૦૦થી વધુ કેસ નોંધાયા છે. વડોદરામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૭૬૨૮ છે, જેમાં ૬૭૬૫ સ્ટેબલ અને પરપ ઓક્સિજન પર ૩૩૮ દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે આજે સંપૂર્ણ સ્વસ્થ થયેલા વધુ ૪૯૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી ૩૫,૨૧૬ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. પોઝિટિવ આવેલા તેમજ પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા હોય અને હોસ્પિટલમાં દાખલ કવરાની જરૂર ન હોય તેવા દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે.

હાલ હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની સંખ્યા ૧૦,૬૦૧ છે, જ્યારે પોઝિટિવ આવેલા દર્દીઓમાં સર્વાધિક ૧૩,૮૪૯ દર્દીઓ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાના કારણે હોસ્પિટલોમાં બેડની મુશ્કેલી સાથે મૃત્યુઆંક પણ વધતાં સ્મશાનોમાં પણ અંતિમવિધિ માટે કલાકો સુધી લોકોને લાઈનમાં ઊભા રહેવું પડે છે.

૧૭૫ મે.ટન ઓક્સિજનની જરૂરિયાત સામે ૧૫૨ મે.ટન જથ્થો મળ્યો

વડોદરા. વડોદરાની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આજે ૧૭૫ મેટ્રિક ટન ઓક્સિજની જરૂરિયાત સામે રાજ્ય સરકારે વડોદરાને માત્ર ૧૫૨ મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. આમ આજે પણ ર૩ મે.ટન કરતાં જેટલી ઘટ પડી હતી.

કોરોના મહામારીના બીજા વેવમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે તેની સામે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. વડોદરામાં સરકારી અને ખાનગી હોસ્પિટલો મળીને ૯ હજારથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરિયાતવાળા, દર્દીઓની સંખ્યા પણ વધુ છે, ત્યારે આજે વડોદરામાં ૧૭૫ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત સામે સરકારે ૧૫૨ મે.ટન ઓક્સિજનનો જથ્થો ફાળવતાં ર૩ મેટ્રિક ટન ઘટ પડી હતી. આમ સતત પાંચમા દિવસે પણ ઓક્સિજનની ઘટ પડી હતી. ઓક્સિજનનો બફરસ્ટોક રાખવો જરૂરી હોય છે પરંતુ જરૂરિયાત કરતાં ઓછો છે. ઓક્સિજન ફાળવવામાં આવતો હોવાથી મુશ્કેલી સર્જાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના અન્ય શહેરોમાં વડોદરાના દર્દીઓની સંખ્યામાં દર્દીઓ ઓછા હોવા છતાં ત્યાં વધુ જથ્થો પૂરો પડાય છે. આ વિસ્તારમાં રાજકીય મોટા માથાઓ હોવાાથી દબાણ હેઠળ જરૂરિયાત મુજબ જથ્થો ફાળવવામાં આવતો હોવાનું કહેવાય છે.

ગોત્રી હોસ્પિટલ ખાતે શુક્રવારથી રપ૦ બેડનું ક્વીક રિસ્પોન્સ સેન્ટર શરૂ થશે

ગોત્રી હોસ્પિટલમાં આવતીકાલ શુક્રવારથી રપ૦ બેડનું કવીક રિસ્પોન્સ ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાના સંકેત આપ્યા હતા તેનો પ્રારંભ કરાશે. આ સુવિધાની શરૂઆતમાં ઓક્સિજન કોન્સનટ્રેટવાળા ૧૦૦ બેડથી શરૂ કરવામાં આવશે તેમજ આગામી પાંચ દિવસમાં ઓક્સિજન પાઈપલાઈન અને જંબો ઓક્સિજન સિલિન્ડર સહિત અન્ય સુવિધાઓમાં વધારો થશે.