ભરૂચ : ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ આઈસીયુ વોર્ડ-૧, ૨માં મધ્યરાત્રિના શોર્ટસર્કિટના કારણે અચાનક આગ ફાટી નિકળતાં નાસભાગ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તત્કાલ દર્દીઓને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જાે કે, આગમાં હોસ્પિટલના બેડમાં સારવાર લઈ રહેલા ૧૮ જેટલા દર્દીઓ ભડથું થઈ ગયાં હતાં, જ્યારે અન્ય દર્દીઓને રેસ્કયૂ કરી બહાર કાઢી અન્ય હોસ્પિટલોમાં ખસેડાયા હતા. આ બનાવના પગલે ભરૂચ નગરપાલિકા અને જીએનએફસીના ફાયર ટેન્ડરો સહિત ધસી આવેલા ફાયર ફાઈટરોએ મહામુસીબતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જાે કે, ત્યાં સુધીમાં હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં વેન્ટિલેટર સહિત તમામ મેડિકલના સાધનો બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગતાં જ હોસ્પિટલના સંચાલકોએ દર્દીઓને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જાે કે, જાેતજાેતામાં આગ બેકાબૂ બની વિકરાળ બનતાં દર્દીઓની મરણચીસો અને તેમના સગાઓના આક્રંદ અને મદદ માટેના પોકારોથી વાતાવરણ ભયાવહ બન્યું હતું.

ભરૂચ નગરપાલિકા, જીએનએફસી, મેઘમની કંપની સહિતની અન્ય કંપનીના ફાયર વિભાગની ૧૨થી વધુ ફાયર ટેન્ડરો સાથે ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યારે ૪૦થી વધુ એમ્બ્યુલન્સ પણ રેસ્કયૂ ઓપરેશનમાં જાેડાઈ સાયરનના રણકાર કરતી દોડતી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જાે કે, આગના બનાવમાં ૧૮ જેટલા દર્દીઓ આઇસીયુ વોર્ડમાં બેડ પર જ બળીને ભડથું થઈ ગયા હતા, જ્યારે વોર્ડમાં ફરજ બજાવતી નર્સિંગ સ્ટાફની કર્મચારી પણ આગમાં ખાખ થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે ભીષણ આગમાં આઇસીયુ વોર્ડમાં તમામ વેન્ટિલેટર અને મેડિકલના અદ્યતન સાધનો બળીને ખાખ થઈ ગયા હતા.

કમભાગી મૃતકોની યાદી

સઇદ અબ્દુલ પટેલ, આદમભાઇ સારીઘાટ, ઇબ્રાહિમભાઇ આદમભાઇ રાંડેરા, દિવાન યુસુફભાઇ અહેમદ, જાેલી આયશાબેન, આરૈફા એસ.મન્સુરી, શબીના નજીર પટેલ, મોરલી રશીદાબાનુ, રેણુકા રાજેશભાઇ સોલંકી, પટેલ આઇશા આદમભાઈ, દિવાન હજરત વલીશા, જુલેખાબેન ઇસ્માઇલ પટેલ, મહેરૂબેન મુસાભાઇ, યુસુફ મહંમદ બેલીમ, જરીનાબેન મુસાભાઇ સપા, મહેન્દ્રભાઇ હિરાલાલ શ્રીમાળી, માધવીબેન મુકેશકુમાર પઢિયાર (ટ્રેની નર્સ), ફરીદા એમ.ખાતુન (ટ્રેની નર્સ)નો સમાવેશ થાય છે.

કોવિડ આઇસીયુની ફાયરની એનઓસી ન હતી

ભરૂચ. પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગના બનાવના પગલે રિજનલ ફાયર ઓફિસર દિપક માખીજાએ આજરોજ ખાસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમને હોસ્પિટલમાં ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. માખીજાએ આગના બનાવ અંગે કહ્યું હતું કે દરેક હોસ્પિટલે ફાયરની એનઓસી લેવાની હોય છે. પટેલ વેલફેરમાં માત્ર આગળની કોવિડ બિલ્ડિંગ માટે જ ફાયરની એનઓસી હોવાનો ઘટસ્ફોટ કરી કોવિડ આઇસીયુ વોર્ડની ફાયરની એનઓસી ન હોવાનું પણ જણાવ્યું હતું.

 ઉચ્ચસ્તરીય તપાસના આદેશ

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ આઇસીયુ વોર્ડમાં લાગેલી આગની દુર્ઘટનામાં ગંભીરતા જાેઈ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ થતા રેન્જ આઈજી હરિકૃષ્ણ પટેલે ઘટનાસ્થળે દોડી આવી ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂરી માહિતી મેળવી હતી. જ્યારે રાજ્યના બે સિનિયર આઈએએસઅધિકારીઓમાં વિપુલ મિત્રા અને રાજકુમાર બેનિવાલ પણ ભરૂચ ખાતે દોડી આવ્યા હતા, જેમને સ્થળનિરીક્ષણ કરી તપાસ શરૂ કરી હતી.