વડોદરા : નકલી સોનું પધરાવી દેવાના ગુનામાં પ્રભુ સોલંકી સામે ૩૦ લાખની છેતરપિંડીની ફરિયાદ મહારાષ્ટ્રના નાસિકના ઈગતપુરી પોલીસના હાથે ઝડપાયા બાદ પ્રભુ સોલંકી કરજણ નજીકની હોટલમાંથી પોલીસના જાપ્તા હેઠળ હોવા છતાં ફરાર થઈ ગયો હતો. આ મામલાની તપાસમાં મહારાષ્ટ્ર પોલીસે શહેરમાં ધામા નાખ્યા છે. આજે પણ વધુ પાંચ લોકોની પૂછપરછ કરી નિવેદનો લીધાં હતાં. પોલીસના ધ્યાન ઉપર એ પણ આવ્યું છે કે બેદરકારીના કારણે જ પ્રભુ સોલંકી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

ઈગતપુરી પોલીસમાં રમેશ તથા સીમા ઉર્ફે ગીતા સામે રૂા.૩૦ લાખનું નકલી સોનું પધરાવી દઇ ઠગાઇ કરવાનો ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે ત્યાર બાદ ઈગતપુરી પોલીસે અલિબાગ જેલમાંથી આ ગુનામાં પ્રભુ ગુલશનભાઇ સોલંકી ઉર્ફે કલ્પેશ પ્રજાપતિ ઉર્ફે રમેશનો ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજાે મેળવી વડોદરા આવી હતી. પોલીસ પ્રભુ સોલંકીના ઘેર આજવા રોડ કલ્યાણનગર સોસાયટીમાં નાણાં રિકવરની તપાસ કરી હતી. તેઓ સહયોગ ઇન હોટલમાં રાત્રે રોકાયા હતા. સવારે પ્રભુએ કહ્યું હતું કે એક પાર્ટી રિકવરીના નાણાં આપવા આવે છે તો થોડીવાર રોકાઇ જાવ... જેથી પોલીસ ટીમ ત્યાં જ રોકાઇ ગઇ હતી. જાે કે સાંજે ૬ વાગ્યા સુધી કોઇ આવ્યું ન હતું, જેથી પોલીસ પ્રભુને લઇને મહારાષ્ટ્ર જવા નિકળતી હતી ત્યારે પ્રભુએ લઘુશંકાનું બહાનું કાઢતાં પોલીસના જાપ્તા સાથે તેને લઘુશંકા કરવા લઇ જવાયો હતો જ્યાં તે પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસના જાપ્તામાં રહેલા કર્મચારીઓના નિવેદન લઇને પ્રભુની શોધખોળ કરાઇ હતી. તપાસમાં નાસિક પોલીસની બેદરકારી સ્પષ્ટ જણાઇ આવી હતી.