વડોદરા : સયાજી સંલગ્ન સમરસ કોવિડ હોસ્પિટલમાં કોવિડની સારવાર લેતા દર્દીનું મૃત્યુ થયા બાદ દર્દીએ હાથમાં પહેરેલ આશરે પ૦૦ થી ૬૦૦ ગ્રામ વજનના ચાંદીના કડાની ચોરી થતાં દર્દીના પુત્ર અને પરિવારજનોએ હોસ્પિટલના તબીબી સ્ટાફની લાલિયાવાડી મામલે આક્ષેપો કરી પોલીસ ફરિયાદ કરતાં પોલીસ દોડી આવી હતી. આ સાથે અન્ય દર્દીઓએ સારવાર સુવિધાઓ અને અસહહ્ય ગંદકી તેમજ પાણી મુદ્દે પણ ભારે હોબાળો મચાવ્યો હતો.

અનેક દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે. એવા જ એક રાહુલ હુબે (ઉં.વ.૪પ)ના દર્દી કોરોના સંક્રમિત બનતાં તેઓ સારવાર માટે સયાજી હોસ્પિટલ હેઠળ સમરસ હોસ્પિટલમાં બે-ત્રણ દિવસ અગાઉ દાખલ થયા હતા. એ દરમિયાન આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું, જે અંગે મોબાઈલ સંદેશો દ્વારા દર્દીના સગાને જાણ કરી હતી અને તેમની વસ્તુઓ લઈ જવા માટે જણાવ્યું હતું. જેથી મૃતકના પુત્ર અને મિત્રો દોડી આવ્યા હતા. મૃતકના હાથમાં પહેરેલ ચાંદીનું બ્રેસલેટ કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દર્દીનો હાથ ફૂલી જવાથી તે નીકળતું ન હતું, તેને કાપવા માટે પુત્ર ઘરે પક્કડ લેવા માટે ગયો હતો, એ દરમિયાન ડિસ્પોઝલ ટીમના કર્મચારીઓએ દર્દીની ડેડબોડી કોવિડની કિટમાં પેક કરીને મુકી દીધી હતી. પુત્ર પક્કડ લઈને આવ્યો ત્યારે ચાંદીનું બ્રેસલેટ કાઢવા માટે કવર ખોલાવ્યું હતું, જ્યાં મૃતકના હાથમાંથી કોઈએ જબરદસ્તીથી કાઢી લીધું હોવાનું જાેવા મળ્યું હતું. એટલું જ નહીં, હાથ ઉપર કોઈ લિક્વિડ અને કાંડા ઉપર છોલાયેલ તેમજ લોહી જાેવા મળ્યું હતું. મૃતક પિતાના હાથમાંથી ચાંદીના બ્રેસલેટની ચોરી થતાં પુત્ર અને સગાઓ ચોંકી ઊઠયા હતા. ચોરીના આ બનાવની જાણ હોસ્પિટલના તબીબો અને નર્સ્િંાગ સ્ટાફને કરતાં તેમના તરફથી બિનજવાબદારીપૂર્વક જવાબો મળતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, પોતાના પિતાની આખરી નિશાની સમાન ચાંદીના બ્રેસલેટ મેળવવા માટે જીદ કરીને ચોરી કરનારને જેટલા રૂપિયા જાેઈતા હોય તેટલા રૂપિયા આપવાની તૈયારી દર્શાવી કલ્પાંત કરી મૂકયું હતું. આ ચોરીના બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં ફતેગંજ પોલીસ સમરસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને સ્થળ પરના સીસીટીવીના ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.