દિલ્હી-

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને કહ્યું છે કે તેઓ ૮ નવેમ્બર ૨૦૧૬થી લઈને ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ સુધીના પોતાની શાખાઓ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી રેકોર્ડિંગ આગામી આદેશ સુધી સંભાળીને રાખે. સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ કાળા નાણા પર રોક લગાવવા અને આતંકી ફંડિંગ પર લગામ કસવા માટે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જાે કે સરકારે લોકોને બંધ થયેલી નોટો પોતાની બેંકોમાં જમા કરાવવાની કે એક્સચેન્જ કરવાની તક આપી હતી.

એસબીએનને પાછી ખેંચ્યા બાદ ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટો પણ બહાર પાડવામાં આવી. બંધ થયેલી નોટોને એક્સચેન્જ કરવા માટે કે પોતાના એકાઉન્ટમાં જમા કરાવવા માટે દેશભરની બેંકોની શાખાઓ બહાર ભારે ભીડ જાેવા મળી હતી. અનેક ઈનપુટના આધારે તપાસ એજન્સીઓએ ગેરકાયદેસર રીતે નવી નોટોની જમાખોરીના કેસની પણ તપાસ શરૂ કરી. આ પ્રકારની તપાસને સુવિધાજનક બનાવવા માટે રિઝર્વ બેંકે બેંકોને કહ્યું છે કે તેઓ આગામી આદેશ સુધી નોટબંધી સમયના સીસીટીવી ફૂટેજ નષ્ટ ન કરે. આરબીઆઈ તરફથી બહાર પાડવામાં આવેલા એક સર્ક્‌યુલરમાં કહેવાયું છે કે તપાસ એજન્સીઓની પેન્ડિંગ તપાસ, કોર્ટમાં પેન્ડિંગ અનેક કેસને જાેતા તમને સલાહ આપવામાં આવે છે કે આગામી આદેશ સુધી ૮ નવેમ્બર ૨૦૧૬થી ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ સુધી પોતાની શાખાઓ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખો. રિઝર્વે બેંકે ડિસેમ્બર ૨૦૧૬માં બેંકોને બેંક શાખાઓ અને કરન્સી ચેસ્ટમાં સંચાલનના સીસીટવી ફૂટેજને જાળવી રાખવા માટે એક આદેશ અગાઉ પણ બહાર પાડ્યો હતો. અત્રે જણાવવાનું કે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૧૫.૪૧ લાખ કરોડ રૂપિયાની વેલ્યૂની ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની કરન્સી નોટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેમાં ૧૫.૩૧ લાખ કરોડ રૂપિયા પાછા આવી ગયા હતા.