દિલ્હી-

કોરોના બાદ ઘરે બેઠા ઓનલાઇન ખરીદીનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો ખાણી પીણીથી લઈને મોજશોખની વસ્તુઓ ઓનલાઇન ઓર્ડર કરીને મંગાવતા થયા છે. તેવામાં ઓનલાઈન ખરીદીના ચક્કરમાં લોકો ઓનલાઇન ફ્રોડનો પણ શિકાર બની રહ્યા છે. ત્યારે એ જાણવું પણ જરૂરી બની રહે છે કે આવા ઓનલાઇન ફ્રોડથી બચવા શું કરવું જોઈએ. તો આવો જાણીએ આ વિશે.

ઓફિશિયલ વેબસાઇટને આપો પ્રાધાન્ય

તમે જે પ્રોડક્ટ ખરીદવા માંગો છો, તે પ્રોડક્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમે તે પ્રોડક્ટને ખરીદી શકો છો. આવું કરવાથી તમને જેતે પ્રોડક્ટ પણ સારી મળશે અને પેમેન્ટ પણ સલામત રહેશે.

બનાવટી સાઇટોથી રહો સાવધાન

દેશમાં 100થી પણ વધુ ઇ-કોમર્સ વેબસાઇટ ચાલી રહી છે. તેમાં કેટલીક વેબસાઇટથી લોકો સારી રીતે વાકેફ છે, જ્યારે કેટલીક વેબસાઇટ એવી પણ છે જે માત્ર લોકો સાથે છેતરપિંડી કરવાનું જ કામ કરે છે. ઘણી વખત અહીં પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ દેખાડીને લોકોને લલચાવવામાં આવે છે. ઓર્ડર કર્યા પછી પૈસા તો કપાઇ જાય છે, પરંતુ સામાન કાં તો આવતો નથી અથવા જે ઓર્ડર કર્યો હોય એની બદલે કોઈ બીજો સામાન આવી જાય છે. આવી સ્થિતિમાં લોકોની પાસે પસ્તાવો કરવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.

કેશ ઓન ડિલીવરી સૌથી બેસ્ટ

કોઈપણ પ્રકારની ઓનલાઇન છેતરપિંડીથી બચવા માટે સૌથી સહેલો અને સુરક્ષિત રસ્તો છે, કેશ ઓન ડિલીવરી. જો કોઈ વસ્તુઓનો ઓર્ડર આપતી વખતે આ સુવિધા મળે છે, તો તમારે ફક્ત આને જ પસંદ કરવી જોઈએ. આમાં પહેલાં સામાન તમાપી પહોંચી જાય છે, ત્યારબાદ જ તમારે રોકડની ચૂકવણી કરવાની હોય છે. આવી સ્થિતિમાં છેતરપિંડીનો ખતરો ઓછો થઈ જાય છે.

આ વાત તમે જાણતા જ હશો કે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓ ખુદ સામાવ વેચતી નથી. આ કંપનીઓની સાઇટ દ્વારા અલગ-અલગ રિટેલર્સ પોતાની પ્રોડક્ટ વેચે છે. જેથી કોઈ પણ વસ્તુની ખરીદી કરતા પહેલા રિવ્યૂ જરૂરથી વાંચો. રિવ્યૂ તમને સાઇટ પર જ નીચે મળી જશે.