વડોદરા : દેશના અનેક રાજ્યોમાં કોરોનાની સેકન્ડ વેવે હાહાકાર મચાવ્યો છે. દરરોજ પોઝિટિવ કેસોની સંખ્યા સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. વડોદરામાં વિતેલા ર૪ કલાકમાં ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ વિભાગના પ્રોફેસર સહિત ૨૬૨ વ્યક્તિનાં મોત થયાં છે, જ્યારે તંત્રની સત્તાવાર યાદી પ્રમાણે વધુ ૮ દર્દીઓના મોત નીપજ્યાં હોવાનું જણાવ્યંુ છે. જ્યારે આજે પોઝિટિવ કેસોની સંખ્યા વધીને ૮૮૪ નોંધાઈ હતી.

કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે એકતરફ પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે, મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તો બીજી તરફ ખાનગી, સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવા માટે મુશ્કેલીઓ પડી રહી છે, સાથે રેમડેસિવિર ઈન્જેકશન, ઓક્સિજનની પણ અછત સર્જાઈ છે. તેવા સંજાેગોમાં લોકો વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વડોદરામાં રોજ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્યારે વિતેલા ર૪ કલાકમાં ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ વિભાગના પ્રોફેસર મિલિંદ એકબોટે સહિત ૨૬૨ લોકોનાં મોત નીપજ્યાં હતાં. તંત્રના જણાવ્યા મુજબ ર૪ કલાકમાં ૧૦,૨૨૧ લોકોના સેમ્પલ કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવ્ય્‌ા હતા જેમાં શહેર-જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક ૪૫,૮૨૧ થયો છે. કોરોનાથી વધુ ૮ લોકોનાં મોત સાથે વડોદરા શહેર જિલ્લામાં કુલ સત્તાવાર મૃત્યુઆંક ૩૯૨ પર પહોંચ્યો છે.

વડોદરામાં હાલ ૮૩૯૯ એક્ટિવ કેસ પૈકી ૫૫૭ ઓક્સિજન અને ૩૫૬ દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે. જ્યારે ૭૪૮૬ દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે આજે વધુ ૬૨૧ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી ૩૭,૦૩૦ લોકો કોરોનાને મ્હાત આપી ચૂકયા છે. જ્યારે હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની સંખ્યા વધીને ૧૦,૯૬૦ થઈ છે. વડોદરામાં આજે નોંધાયેલા ૮૮૪ પોઝિટિવ કેસો પૈકી સૌથી વધુ ૪૩૭ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા હતા. જ્યારે શહેરના દક્ષિણ ઝોનમાં ૧૧૯, ઉત્તર ઝોનમાં ૧૧૨, પશ્ચિમ ઝોનમાં ૧૦૬, પૂર્વ ઝોનમાં ૧૧૦ દર્દીઓનો સમાવેશ થાય છે. પાલિકાની આરોગ્ય વિભાગની ૩૪ આરોગ્ય ટીમ દ્વારા ધન્વંતરિ રથના માધ્યમથી કરાઈ રહેલા આરોગ્ય સર્વેમાં આજે ૪૧૩૮ લોકોને તપાસવામાં આવ્યા હતા જેમાં ૬૯ તાવના અને શરદી, ખાંસીના ૧૮૬ દર્દીઓ મળી આવ્યા હતા. આમ, કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને પોઝિટિવ કેસોની સંખ્યા લગભગ ૯૦૦થી નજીક પહોંચી છે. જ્યારે અત્યાર સુધી પોઝિટિવ આવેલા દર્દીઓમાં ૨૮,૭૬૫ પુરુષ અને ૧૭૦૫૬ મહિલાઓનો સમાવેશ થાય છે.

કયા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા

શહેરી વિસ્તારો પૈકી એકતાનગર, વારસિયા, ફતેપુરા, આજવા રોડ, માંજલપુર, વાઘોડિયા રોડ, વાસણા રોડ, સમા, ગોત્રી, ગોકુલનગર, શિયાબાગ, પાણીગેટ, કિશનવાડી, તાંદલજા, મકરપુરા, માણેજા, હરણી, ન્યુ વીઆઈપી રોડ, સુભાનપુરા, ગોરવા, નાગરવાડા, સોમા તળાવ, વડસર, અટલાદરા અને તરસાલીનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્યના ડભોઈ, પાદરા, કરજણ, વાઘોડિયા, મારેઠા, સિંધરોટ, અનગઢ, શેરખી, સરારા, વરણામા, ઈટોલા, વેજપુર, ચાંદોદ, પીપળિયા, આમોદ, લીમડી, મહેશપુરા, ટુંડાવ, મંજુસર, ગોરજ, થુવાવી, કુંઢેલા, મોભાનો સમાવેશ થાય છે.