રાજપીપળા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે૧૭મી જાન્યુઆરીના રોજ સવારે ૧૧ કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા માટે ૮ નવી ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેનો વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રીવા અને ચેન્નઈ સ્ટેશનોથી રવાના થશે. અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ પણ હશે. તેને વિશેષ રૂપથી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનની યાત્રાને સુંદર અને યાદગાર બનાવવા માટે બનાવવામાં આવ્યો છે. કોવિડ બાદ આ પ્રથમ તક હશે જ્યારે કોઈ પેસેન્જર ટ્રેનને લોન્ચ કરવામાં આવશે. 

આ એક્સપ્રેસ ટ્રેન સેવા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, નિયમિત રેલ સેવાથી પર્યટન સ્થળ પર વધુ પ્રવાસીઓ આવશે.રેલ મંત્રાલયે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે કેવડિયા રેલવે સ્ટેશન બનાવ્યું છે, જેનું ઉદ્ઘાટન પણ રવિવારે પીએમ મોદી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત પહેલાં મહત્વના ત્રણ પ્રોજેક્ટનું ત્રણ અલગ અલગ કાર્યક્રમો યોજીને વીડિયો કોન્ફરન્સથી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. આ સાથે વડોદરાથી કેવડિયા વચ્ચે ટ્રેન શરૂ કરાશે. દેશના વિવિધ સ્થળોએથી કેવડિયા પહોંચવા ૮ જેટલી ટ્રેનોને પણ લીલી ઝંડી અપાશે.

૧૮મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી મોટેરાથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીના મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું તેમજ સુરત મેટ્રોરેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વીડિયો કોન્ફરન્સથી કરશે. ૨૦મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી ગુજરાત સરકારના ડિજીટલ સેવાસેતુ કાર્યક્રમના બીજા તબક્કાનું લોંચિંગ કરશે. રાજ્યના ૮ હજાર ગામડામાં ૫૦ જેટલી ઓનલાઇન સેવાનો પ્રારંભ કરાશે. ગ્રામ્ય વિસ્તારોને ઇ-સેવા સાથે જાેડવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. આવતીકાલે પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતેથી મેમુ ટ્રેનને કેવડિયા લીલી ઝંડી આપી રવાના કરાશે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અગ્રણીઓ તેમજ રેલવેના અધિકારીઓ વડોદરા તેમજ પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, ટ્રેનના પ્રારંભ સાથે કેવડીયા પણ ભારતીય રેલના નકશા સાથે જાેડાય જશે. ટ્રેનના પ્રારંભ સાથે દેશના વિવિધ સ્થળેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ એસઓયુ ખાતે ઉમટે તેવી શકયતા વ્યકત કરાઈ રહી છે.

વડાપ્રધાન દ્વારા ઈ-પ્રસ્થાન કરાવવામાં આવનારી ૮ ટ્રેનોની વિગતો

૧. ટ્રેન નં- ૦૯૧૦૩/૦૪- કેવડિયા થી વારાણસી- મહામના એક્સપ્રેસ (સાપ્તાહિક)

૨. ટ્રેન નં- ૦૨૯૨૭/૨૮- દાદર થી કેવડિયા – દાદર- કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)

૩. ટ્રેન નં- ૦૯૨૪૭/૪૮- અમદાવાદ થી કેવડિયા – જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)

૪. ટ્રેન નં- ૦૯૧૪૫/૪૬- કેવડિયા થી હઝરત નિઝામુદ્દીન- નિઝામુદ્દીન- કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક).

૫. ટ્રેન નં- ૦૯૧૦૫/૦૬- કેવડિયા થી રીવા- કેવડિયા-રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક)

૬. ટ્રેન નં- ૦૯૧૧૯/૨૦- ચેન્નઈ થી કેવડિયા- ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)

૭. ટ્રેન નં- ૦૯૧૦૭/૦૮- પ્રતાપનગર થી કેવડિયા- મેમૂ ટ્રેન (દૈનિક)

૮. ટ્રેન નં- ૦૯૧૦૯/૧૦- કેવડિયા થી પ્રતાપનગર- મેમૂ ટ્રેન (દૈનિક)