મહુધા : મહુધાના ગાયત્રી મંદિર તરફના વિસ્તારમાં એક્ટિવા સાથે મહિલા પાણીના ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી. આજુબાજુના લોકોએ દોડી આવીને મહિલાને માંડમાંડ બચાવી લીધી હતી. જાેકે, એક્ટિવા ગટરના ખાડામાં ગરકાવ થઈ ગયું હતું.  

મહુધાના સરદાર પોળમાં રહેતાં એક મહિલા એક્ટિવા લઈને ગાયત્રી મંદિરથી ગુજરાતી શાળા તરફ જઈ રહ્યાં હતાં. તે સમયે નગરપાલિકાના ગટર સફાઈ કર્મીઓ દ્વારા કરવામાં આવેલા ખાડામાં મહિલા એક્ટિવા સાથે પડ્યાં હતાં. નજીકનાં લોકોને જાણ થતાં ઝડપથી આવી મહિલાને ગટરના ખાડામાંથી બહાર કાઢ્યાં હતાં. જાેકે, મહિલાના મોબાઈલ અને એક્ટિવા ખાડામાં ગરક થઈ ગયાં હતાં. નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે કે, પાલિકા દ્વારા હજું પણ ત્વરિત પગલાં નહીં લેવાય તો આ ખાડો કોઈનો પણ ભોગ લઈ શકે છે.

આજુબાજુના લોકોના જણાવ્યા મુજબ, છેલ્લાં ત્રણ દિવસથી ગટર ચોકબ થઈ જવાથી નગરપાલિકાના ગટર કામના કર્મીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યોે હતો. જાેકે, અહીં પાલિકા દ્વારા કોઈ આડસ કરવામાં આવી ન હતી કે પછી અહીં ખાડો છે તેવું સૂચવતું બોર્ડ લગાવવામાં આવ્યો ન હતું! જેથી ભરાયેલાં પાણીમાં ઊંડો ખાડો છે કે નહીં તેની રાહદારીઓને ખબર જ પડતી નથી. પરિણામે સરદાર પોળમાં રહેતાં મહિલા ખાડામાં પડ્યાં હતાં. સદનસીબે તેમને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી.