આણંદ : ખંભાત શહેરના મોટાભાગના મુખ્યમાર્ગો પર નગરપાલિકાના સત્તાધીશોની ભ્રષ્ટ નીતિ અને બેદરકારીને કારણે જ ખાડારાજ સ્થપાયું છે. જેને કારણે શહેરીજનો, મુસાફરો, વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ અકસ્માતો થવાની ભીતિ પણ સર્જાવા પામી છે. તહેવાર ટાણે ખરીદી કરવા નીકળેલી પ્રજાને ભરબજારના મુખ્ય રસ્તાઓ પર રખડતાં ઢોરના શીંગડે ચડવાનો વારો આવ્યો છે. બીજી બાજુ વારંવાર ગંભીર અને જીવના જાેખમસમાં પ્રજાની સમસ્યાઓના નિવારણ કરવાને બદલે આંખ-આડા કાન કરી રહેલાં પાલિકાના સત્તાધીશો સામે શહેરીજનોમાં રોષ ભભૂક્યો ઉઠ્‌યો છે.  

તાજેતરમાં નવનિર્મિત માર્ગો પર ખાડાઓએ દેખાં દીધી હતી. ત્યારબાદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પોલ છુપાવવા નવનિર્મિત આરસીસી માર્ગોને ‘ડામરના વાઘા’ પહેરાવવાની ફરજ પડી હતી. નવીન માર્ગો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડા કર્યો છતાંય રસ્તાઓ વરસાદમાં ધોવાઈ ગયા છે.

ખંભાતના હાર્દસમાં ગણાતા બસ સ્ટેશન રોડ, રેલવે સ્ટેશન, લાલ દરવાજા, પ્રેસ રોડ, ગાયત્રીનગર, કોલેજ રોડ, સરદાર ટાવર રોડ, પાણિયારી, ત્રણ દરવાજા, ચિતારી બજાર, પીઠ બજાર, મોચીવાડ, જનરલ હોસ્પિટલથી પાણીની ટાંકી તરફ જતો માર્ગ, રાણા ચકલા, રજપૂતવાડો, સહિતના રાજમાર્ગો પર ઠેર ઠેર ઢોરના અડિંગોથી વાહનચાલકો તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે પાલિકા દ્વારા નવા બનાવેલાં આરસીસી રસ્તાઓ, ડામરના માર્ગો બિસમાર હાલતમાં ફેરવાયા છે. હાલ મુખ્ય માર્ગો પર ઠેર ઠેર નાના-મોટા ખાડાઓનું સામ્રાજ્ય સ્થાપાયું છે. એટલું જ નહિ નવા આરસીસી માર્ગો બનાવ્યાંના ટૂંકાગાળામાં જર્જરિત થઈ જતાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી હતી. જેને ઢાંકવા સત્તાધીશોને આરસીસી રોડ પર ડામર પાથરવાની ફરજ પડે છે. છતાંય ઠેર-ઠેર માર્ગો સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ પાણીમાં ધોવાઈ જાય છે.

જાહેર માર્ગો પર નાના-મોટા ગાબડાંઓએ દેખા દેતા સત્તાધીશો રિસર્ફિંગના નામે પણ વેઠ ઊતારતા હોવાની પોલ ખુલ્લી પડી છે. વારંવાર પ્રજાના નાણાંનો દુરુપયોગ થવા છતાંય ખંભાતની પ્રજાને ભ્રષ્ટાચારમુક્ત માર્ગો ન મળતાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે. આરસીસી પર ડામર પાથરવું એ કયા પ્રકારના ટેન્ડરના નિયમ છે તે બાબતે પણ બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે.

પ્રજાના પૈસે સત્તાધીશોને તાગડધિન્ના

ખંભાતમાં હલકી ગુણવત્તાયુક્ત નવનિર્મિત આરસીસી રસ્તાઓને આકાર આપી ત્યારબાદ તેનાં ઉપર ડામર પાથરી બાદમાં રિસર્ફિંગ માટે પણ અલગ બજેટ લઈ ખિસ્સા ભરો અભિયાન આદરી સત્તાધીશો પ્રજાના પૈસે તાગડધિન્ના કરતાં હોવાના આક્ષેપો પણ જાગૃતજનો કરી રહ્યા છે.કરોડોના ખર્ચે બનાવેલ આરસીસી માર્ગો ટકતા નથી. ખૂબ જ ટૂંકાગાળામાં ઉબડ ખાબડ હાલતમાં ફેરવાય છે. ે તે માર્ગો પર નાના-મોટા ગાબડા પડતા હજારો વાહનચાલકો સહિત મુસાફરોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. એક તરફ જર્જરિત રસ્તાઓની રિસર્ફિંગની કાર્યવાહી માટે અલગ બજેટની રાહ જાેવાય છે. બીજી તરફ ઘણા-ખરાં વિસ્તારોમાં બ્લોકો કાઢી નવીન આરસીસી રસ્તાઓ બનાવી દેતા પ્રજાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે. આ બાબતે ઉચ્ચકક્ષાએથી અધિકારીઓ ચોકસાઈ અને તટસ્થતા દાખવી તપાસ હાથ ધરે તો ભારે ભ્રષ્ટાચારના પોપડા ઉખડવાની સંભાવના છે. • જતીનભાઈ પટેલ, જાગૃત નાગરિક, ખંભાત

બેદરકાર અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર્સને બ્લેકલિસ્ટ કરો

કોન્ટ્રેક્ટર દ્વારા નવીન માર્ગો બનાવવા બેદરકારી દાખવતાં હોય તો તેને બ્લેકલિસ્ટ કરવા જાેઈએ. તેમજ સ્થાનિક કક્ષાએથી એની ઇન્ક્વાયરી થવી જાેઈએ. ભ્રષ્ટાચાર જણાતાં પાલિકાના જે તે અધિકારી તેમજ મેળાપણું કરનાર કોન્ટ્રેક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવી જાેઈએ. વોરંટી પીરિયડમાં રોડ તૂટી કે જર્જરિત થઈ ગયો હોય તો તે કોન્ટ્રેક્ટર પાસે જ તેની મરામત અને રિસર્ફિંગ કરાવવું જાેઈએ. તેનાં પેટે કોઈ પ્રકારનો વધારાનો ચાર્જ, ભથ્થું અલગથી ચૂકવવું ન જાેઈએ.• હનીફભાઈ શેખ, મ્યુ.કાઉન્સિલર, વિપક્ષ