દિલ્હી-

ખેડૂત આંદોલનના નામે ભારત વિરુદ્ધ વિદેશી પ્રોપગેન્ડાની વાસ્તવિકતા હવે સામે આવી રહી છે. એક તપાસમાં થયેલા ખુલાસા મુજબ કૃષિ કાયદા વિરુદ્ધ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરતી કાર્યકર ગ્રેટા થનબર્ગનું ટ્‌વીટ ખાલિસ્તાની સંગઠનનો પ્રોપગેન્ડા હોવાનું જણાયું છે. ગ્રેટા થનબર્ગે એક ટ્‌વીટ કર્યું હતું, જેને પાછળથી તેણે ડિલીટ કરી દીધું હતું. પ્રાથમિક તપાસમાં એવી હકીકત જણાઈ છે કે આવું કરવા પાછળ કેનેડા સ્થિત ખાલિસ્તાનનું સમર્થન કરતા સંગઠનનો હાથ છે.

વરિષ્ઠ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રેટ થનબર્ગે પોતાના ટ્‌વીટમાં જે પાવરપોઈન્ટ ટુલકિટનો ઉપયોગ કર્યો હતો, જેનો ઉદ્દેશ ભારતને હિતોને નુકસાન પહોંચાડવાનું છે, તેને એક સ્વોઘોષિત ખાલિસ્તાન સમર્થક ધાલીવાલ દ્વારા સ્થાપિત ‘પીસ ફોર જસ્ટિસ’ સંગઠન દ્વારા તૈયાર કરાયું હતું. આ જૂથ કેનેડાના વેન્કૂવરમાં છે.

પાવરપોઈન્ટમાં ભારતને ટાર્ગેટ કરીને એક ટાસ્ક અપાયું હતું. ટુલકિટમાં ભારતની યોગ અને ચાની છબિને ખરડવાનો, 26 જાન્યુઆરીના વૈશ્વિક ભંગાણની સાથે-સાથે કૃષિ કાયદાને રદ કરવાનો ઉદ્દેશ હતો. થનબર્ગે પોતાની પોસ્ટ હટાવી દીધી હતી, પરંતુ તે પૂર્વે ભારતના કેટલાક લોકોએ તેના સ્ક્રિનશોટ લઈ લીધા, જે જાેતજાેતામાં વાયરલ થઈ ગયું હતું.

ગ્રેટા થનબર્ગ તેમજ યુએસ પોપ સ્ટાર રિહાના સહિત અન્ય ગ્લોબલ સેલિબ્રિટી દ્વારા કરાયેલા ટ્‌વીટ ભારતની છબિને વૈશ્વિક સ્તરે ખરડવાના ઈરાદેથી ચલાવાયેલા અભિયાનનો ભાગ હતો. આ પ્રકારના નિવેદનો અથવા ટ્‌વીટને ભારત તેમજ વિદેશમાં અગત્યના લોકો દ્વારા જાેવા મહત્વનું છે.