લોકસત્તા વિશેષ : છેલ્લાં ૧૦ વર્ષથી કોરાણે મુકાયેલા નેતાઓને અચાનક જ સંગઠનની સુબેદારી મળતાં બેફામ બની મનસ્વી નિર્ણય કરતા હોવાનો સૂર ઉઠતાં તેનો પડઘો પ્રદેશ નેતાગીરી સુધી પહોંચ્યો છે. શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ અને મહામંત્રી સુનીલ સોલંકીની આગેવાનીમાં શરૂ થયેલા મનસ્વી નિર્ણયના ખેલ ઉપર લગામ લગાવવા માટે આજે પ્રદેશ મહામંત્રીએ જાતે ઉપસ્થિત રહેવાની ફરજ પડી હતી. સ્થાયી સમિતિની સંકલન સમિતિની બેઠકમાં પ્રદેશ મહામંત્રીની હાજરીમાં બોલકાં સભ્યોના મોઢે ખંભાતી તાળાં વાગી ગયા હતાં. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીએ આકરું વલણ અપનાવી તમામને પક્ષની મર્યાદા અને શિસ્તમાં રહેવા કડક સૂચના આપી હતી.

થોડા સમય અગાઉ શહેર ભાજપ સંગઠનની નવરચના થઈ તેમાં લાંબા સમયથી હાંસિયામાં ધકેલી રખાયેલા ડો. વિજય શાહને પ્રમુખપદ અને સુનીલ સોલંકીને મહામંત્રી પદ આપવામાં આવ્યું હતું. પોતાની જૂની છાપ સુધારી આ બંને નેતા પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવશે તેવી એક આશા વડોદરાની નેતાગીરીમાં ઊભી થઈ હતી. પરંતુ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીથી લઈને કોર્પોરેશનના હોદ્દેદારોની વરણી અને પક્ષના વિવિધ હોદ્દા અને મોરચાની રચનામાં તેઓએ અપનાવેલી મનસ્વી રણનીતિના કારણે ભાજપમાં ભડકો થયો હતો. આ ઉપરાંત સંગઠનની કામગીરીના બદલે કોર્પોરેશનમાં ટેન્ડરપ્રક્રિયામાં ચંચુપાત કરવા સાથે પાર્ટી ફંડના નામે ખંડણી સ્વરૂપે શરૂ થયેલી ઉઘરાણીથી પક્ષની નેતાગીરીમાં રોષયુક્ત વિરોધવંટોળ ઊભો થયો હતો.

શહેર ભાજપ સંગઠનની આવી નીતિરીતિથી નારાજ મેયરે એક તબકકે સંકલન સમિતિનો બહિષ્કાર પણ કર્યો હતો. ત્યારે લોકસત્તા જનસત્તા દ્વારા સંગઠનની આવી મનસ્વી કાર્યપદ્ધતિ અને મેયરના અઘોષિત બહિષ્કારનો પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલનો પડઘો ગાંધીનગર અને દિલ્હી દરબાર સુધી પહોંચ્યો હતો. જેના કારણે ગુરુવારે સયાજીગંજ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સ્થાયી સમિતિના કામો માટે મળેલી સંકલન સમિતિની બેઠકમાં પ્રદેશ મહામંત્રી અને મધ્ય ગુજરાત અને વડોદરા શહેરના પ્રભારી ભાર્ગવ ભટ્ટે સ્વયં ઉપસ્થિત તમામ સભ્યોની ઝાટકણી કાઢી હતી. શહેર ભાજપ પ્રમુખ, ત્રણ મહામંત્રી, કોર્પોરેશનના પાંચ હોદ્દેદારો અને સ્થાયી સમિતિના તમામ સભ્યોને કડક સૂચના આપી પક્ષની શિસ્ત અને મર્યાદા જાળવવા માટે ટકોર કરી હતી. જેમાં કોઈ પણ વ્યકિતએ પક્ષની મર્યાદાનો ભંગ કર્યો હોવાનું જણાશે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે મનસ્વી નિર્ણયો માટે જાણીતા બનેલા ડો. વિજય શાહ અને સુનીલ સોલંકીની જાેડી સહિત તમામ સભ્યોમાં સોંપો પડી ગયો હતો.

આખરે મેયર કેયુર રોકડિયા સંકલનમાં હાજર રહ્યા

શહેર ભાજપ સંગઠન સાથેના મતભેદના કારણે મેયર કેયુર રોકડિયા દ્વારા સંકલન સમિતિનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ભાજપની વરિષ્ઠ નેતાગીરીને વિશ્વાસમાં લીધા સિવાય મેયર દ્વારા આટલું ગંભીર પગલું ઉઠાવવામાં આવતાં પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઊઠી હતી. મેયરના આવા વલણ અંગે લોકસત્તા જનસત્તાએ અહેવાલ પ્રસિદ્ધ કરતાં ગુરુવારે મળેલી સંકલન સમિતિમાં બેઠકમાં કેયુર રોકડિયા ચૂપચાપ હાજર રહી વિવાદ પર પડદો પાડયો હતો.

પ્રદેશ મહામંત્રીનું આકરું સ્વરૂપ જાેઈ શહેર પ્રમુખ અને મહામંત્રીની બોલતી બંધ

નવા સંગઠનની રચના બાદ વડોદરા શહેરની જાગીર નામે લખાવી હોય તેમ બેફામ બનેલા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ અને મહામંત્રી સુનીલ સોલંકીની જાેડીને સ્પષ્ટ નિર્દેશ મળે એ માટે ખુદ પ્રદેશ મહામંત્રી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેશનના અને શહેર ભાજપના ઈતિહાસમાં પ્રથમ વખત સ્થાયી સમિતિના સંકલનમાં પ્રદેશ મહામંત્રીએ હાજર રહેવાની ફરજ પડી હતી. જે બાબત શહેર પ્રમુખ અને મહામંત્રીની નિષ્ફળતા સાબિત કરે છે. ત્યારે આ બેઠક દરમિયાન પ્રદેશ મહામંત્રીનું આકરું સ્વરૂપ જાેઈ ડો. વિજય શાહ અને સુનીલ સોલંકીની બોલતી બંધ થઈ ગઈ હતી.

તો સંકલન સમિતિ વિખેરી નાખવામાં આવશે

કોર્પોરેશનમાં વિકાસના કામોમાં કોઈ ચૂક રહી ન જાય તે માટે શરૂ કરવામાં આવેલી સંકલનની બેઠકની પ્રથા ભાજપ માટે નેતાઓના આંતરિક હિસાબોની પતાવટનું કેન્દ્ર બનતાં ભાજપ મોવડીમંડળ ચોંકી ઊઠયું હતું. સંકલનની બેઠકમાં જાેવા મળતી ખેંચતાણ, દલીલો અને એકબીજાને નીચું દેખાડવાની રણનિતીથી ભાજપની પ્રતિષ્ઠા ખરડાઈ રહી હતી. એટલું જ નહીં, પક્ષના નિયમોની મર્યાદા ઓળંગી મીડિયા સમક્ષ માહિતી લીક કરવાની વિરોધી નેતાઓની નીતિના કારણે પણ પક્ષની છબી ખરડાતી હતી. ત્યારે ગુરુવારે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિતિ રહેલા પ્રદેશ મહામંત્રીએ નારાજગી વ્યકત કરતાં સંકલન સમિતિ વિખેરી નાંખવાની ચીમકી ઉચ્ચારી હતી.