નડિયાદ : ખેડા જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૮ નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા,વસો અને ગળતેશ્વર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તથા કઠલાલ તાલુકા પંચાયતની ૧૦ પેટા ચૂંટણી તેમજ નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ અને ઠાસરા એમ કુલ ૫ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી તા. ૨૮ના રોજ યોજાનાર છે. ત્યારે જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે આજે નાયબ ચૂંટણી અધિકારીઓ તથા જિલ્લાના સંબંધિત અધિકારીઓની બેઠક યોજી હતી. અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનું સરળ અમલીકરણ થાય તેમજ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે જાેવાં અધિકારીઓને અનુરોધ કર્યો હતો. ખેડા જિલ્લાની ૫ નગરપાલિકાઓ માટે કુલ ૨૭૧ મતદાન મથકો ફાળવી દેવામાં આવ્યા છે, જ્યારે ૮ તાલુકા પંચાયતો માટે ૧૧૧૫ મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે. તમામ મથકો પર ૨૮ ફેબ્રુઆરી રવિવારે સવારે ૭ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે. જાે પુનઃ મતદાનની જરૂર જણાશે તો તે માટે પહેલી માર્ચે પુનઃ મતદાન થઇ શકશે. કોરોનાના સમયમાં ખાસ કાળજીઓ અને વિશેષ સવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેમ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે. તેઓએ આજથી આદર્શ આચારસંહિતાનો અમલ થાય અને તમામ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને તટસ્થ રીતે યોજાય તે જાેવા સૂચના આપી હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લાના તમામ અધિકારીઓએ આદર્શ આચારસંહિતા સહિત લોકશાહીની આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમો યોજાય તે જાેવાં સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર, નાયબ ચૂંટણી અધિકારીઓ તથા જિલ્લાના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં