અમદાવાદ, ખેડૂત આંદોલનનો આજે ૨૨મો દિવસ છે. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલના વિરોધમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેતાઓએ દિલ્હી બોર્ડર પાસે બેઠક કરી હતી. આ બેઠકમાં તાલુકા સ્તરેથી ખેડૂતોને એકત્ર કરીને દિલ્હી પહોંચડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આગામી ૧૫ દિવસમાં ૧૦,૦૦૦ ખેડૂતો દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે, એમ કિસાન સંઘર્ષ સમિતિનાં સૂત્રોનું કહેવું છે. બીજી બાજુ, રાજ્ય સરકારે પણ ખેડૂતો આંદોલનમાં જાેડાય નહીં એટલે પ્રધાનોને કામે લગાડ્યા છે. 

રાજ્યના ખેડૂતોને કૃષિલક્ષી ત્રણ બિલના વિરોધમાં આંદોલનમાં જાેડવાનું ઝુંબેશ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ હાથ ધર્યું છે. તાલુકા સ્તરેથી ગામડાઓનું સંકલન કરીને ખેડૂતોને દિલ્હી પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમ સંઘર્ષ સમિતિ વતી કોંગ્રેસ કિસાન મોરચાના પાલ આંબલિયાએ જણાવ્યું હતું. પ્રથમ તબક્કે તાલુકાદીઠ ઓછામાં ઓછા ૧૦-૧૦ ખેડૂતોને અને બીજા તબક્કે દરેક તાલુકામાંથી ૩૦-૩૦ ખેડૂતોને દિલ્હી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ કહ્યું હતું કે અન્ય ખેડૂત સંગઠનોના આગેવાનો ૮૦ ખેડૂતો સાથે દિલ્હી પહોંચ્યા છે. ગુજરાતથી દિલ્હી પહોંચેલા ખેડૂતોનો સૂર છે કે અમે ધરણાં પર બેસી ત્રણ કાળા કાયદાનો વિરોધ કરતાં રહીશું. 

ખેડૂતઆંદોલન સરકાર વિરોધી  પુરુષોત્તમ રૂપાલા

ગાંધીનગર  કૃષિ કાયદાના સમર્થનમાં રાજ્યમાં આજથી ભાજપ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે રાજકોટના પડધરીમાં આયોજિત ખેડૂત સંમલેનમાં કેન્દ્રીય પ્રધાન પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, કૃષિ કાયદાનો કેટલા સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સરકાર નવા કાયદા મુદ્દે ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. આ આંદોલન સરકાર વિરોધી છે. મોટા ભાગના ખેડૂતો નવા કાયદા સાથે સંમત છે. જેથી ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન અયોગ્ય છે. પીએમ મોદીએ જ્યારે નવા કાયદા અંગે ર્નિણય લીધો ત્યારે વિપક્ષને એમએસપી યાદ આવી છે.

કોંગ્રેસ કૃષિ કાયદાથી નુકસાન સાબિત કરે  ફળદુ

ગાંધીનગર, અમરેલીના સાવરકુંડલામાં ગુજરાતના કૃષિ મંત્રી આરસી ફળદુએ કોંગ્રેસને કૃષિ કાયદાને લઇને પડકાર ફેક્યો હતો. આરસી ફળદુએ કહ્યુ કે, કોંગ્રેસ કૃષિ કાયદાથી નુકસાન સાબિત કરી બતાવે, હું રાજીનામું આપી દઇશ. મહત્વપૂર્ણ છે કે કૃષિ સુધાર બિલનું મહત્વ સમજાવવા માટે ભાજપ ગુજરાતમાં વિવિધ સ્થળોએ કિસાન સમ્મેલન યોજી રહી છે. સાવરકુંડલામાં યોજાયેલા ખેડૂત સમ્મેલનમાં આરસી ફળદુ, પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી, જયંતિ કાવડિયા, વલ્લભ વઘાસીયા અને અમરેલીના સાંસદ નારણ કાછડિયા હાજર રહ્યા હતા. આ પહેલા પણ કૃષિમંત્રી આરસી ફળદુએ કહ્યુ હતું કે, કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરી રહી છે, ઘણા લોકો બિલનો અભ્યાસ કર્યા વગર જ વિરોધ કરે છે. આરસી ફળદુએ સાવરકુંડલામાં ખેડૂત સમ્મેલનને સંબોધતા કહ્યુ કે, નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્ર માટે ભારતના સાત લાખ ખેડૂતોના હિત માટે કૃષિ વિધેયકો લોકસભા-રાજ્યસભામાં પસાર કર્યા છે, તે આવનારી ખેડૂત પેઢીઓના કલ્યાણ માટે છે.