આણંદ : રાજ્યના દરેક બાળકો અને માતા કુપોષણ મુક્ત બની સુપોષિત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પોષણ અભિયાન, ટેક હોમ રાશન, કિચન ગાર્ડન જેવી અનેક વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકારનાં પોષણ અભિયાન અંતર્ગત “સહી પોષણ, દેશ રોશન” માસની ઉજવણી હાલમાં ચાલી રહી છે. આગામી તા.૩૦ સુધી આ ઉજવણી હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આણંદ જિલ્લામાં ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેક્ટર લલિતકુમાર પટેલનાં પ્રયત્નોથી તમામ મધ્યાહન ભોજન નાયબ મામલતદારોને વિવિધ પ્રકારનાં શાકભાજીના બિયારણોનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું. જિલ્લાની કિચન ગાર્ડન ન ધરાવતી હોય તેવી શાળામાં કિચન ગાર્ડન બનાવવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. આણંદ જિલ્લો પણ કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યો છે. આણંદ જિલ્લામાં ૧૦૦૦થી વધુ સરકારી શાળાઓમાં કિચન ગાર્ડન નિર્માણ કરવાનું કાર્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત રિંગણ, દુધી, ટામેટાં, મરચાં, સરગવો જેવા અન્ય પોષણયુક્ત શાકભાજી તેમજ જાંબુ, સીતાફળ, જામફળ, લીંબુ, મીઠો લીમડો જેવા ઝાડનું પણ વાવેતર કરીને કિચન ગાર્ડન દ્વારા ઉત્પાદિત શાકભાજી અને ફળોને મધ્યાહન ભોજનમાં વિદ્યાર્થીઓ માટે નિયમિત રીતે ઉપયોગમાં પણ લેવામાં આવશે.