અબુધાબી 

તોફાની ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને પાછળથી તક આપ્યા બાદ કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમે લય હાસિલ કરી લીધી છે અને આજે અહીં રમાનાર ઈન્ડિયન પ્રીમિયર લીગના મુકાબલામાં સિતારાઓથી બરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વિરુદ્ધ પ્રથમ રાઉન્ડમાં મળેલી હારનો બદલો ચુકતે કરવા ઉતરશે. વિશ્વકપની રનર્સઅપ ન્યૂઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ફર્ગ્યુસનની ક્ષમતાને જાણવા માટે નાઇટ રાઇડર્સને નવ મેચ અને કેપ્ટનશિપમાં ફેરફારની જરૂર પડી.

ઇયોન મોર્ગને અંતે ફર્ગ્યુસનને તક આપી અને તેણે પહેલા પોતાની ઝડપ તથા વિવિધતાથી સનરાઇઝર્સ હૈદરાબાદને ધ્વસ્ત કરી દીધું. ફર્ગ્યુસને કેકેઆરની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ચાર ઓવરમાં 15 રન પર ત્રણ વિકેટ ઝડપ્યા બાદ સુપર ઓવરમાં બે રન આપીને બે વિકેટ હાસિલ કરી હતી. પાછલા સત્રમાં કેકેઆર તરફથી પાંચ મેચોમાં માત્ર બે વિકેટ ઝડપનાર ફર્ગ્યુસને આ સીઝનના પ્રથમ બોલ પર ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને આઉટ કર્યો અને પછી પોતાના ઝડપી અને ધીમા બોલના મિશ્રણથી બધા બેટ્સમેનોને પરેશાન કર્યા હતા.

મોર્ગનની આગેવાની વાળી કેકેઆરની ટીમ 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે જ્યારે પાંચ મેચ બાકી છે. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ (નવ મેચમાં ત્રણ વિકેટ) આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી અને તેવામાં ટીમને હવે ફર્ગ્યુસન પાસે આશા છે. ટીમે પ્રથમ રાઉન્ડમાં આરસીબી વિરુદ્ધ 82 રને મેચ ગુમાવી હતી તે પણ તેને યાદ હશે જેમાં એબી ડિવિલિયર્સે 33 બોલ પર અણનમ 73 રન બનાવ્યા હતા.

તે જોવાનું રોમાંચક હશે કે ડિવિલિયર્સ, આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનિંગ બેટ્સમેન આરોન ફિન્ચ જેવા બેટ્સમેનો વિરુદ્ધ મોર્ગન ફર્ગ્યુસનનો ઉપયોગ કઈ રીતે કરે છે. કેકેઆર સ્ટાર ઓલરાઉન્ડર રસેલના ખરાબ ફોર્મને કારણે ચિંતામાં હશે જે બેટથી ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. પાછલી સીઝનમાં દમદાર પ્રદર્શન કરનાર રસેલે આ સીઝનમાં 11.50ની એવરેજથી માત્ર 92 રન બનાવ્યા છે.

સ્પિન વિભાગમાં જોવાનું હશે કે સુનીલ નરેને તક આપવામાં આવશે કે નહીં જેની બોલિંગ એક્શનની મંજૂરી મળી ગઈ છે. હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચમાં લેગ સ્પિનર કુલદીપ યાદવ અને વરૂણ ચક્રવર્તીએ સાથે મળીને ઉપયોગી પ્રદર્શન કર્યું હતું. બીજીતરફ આરસીબીની ટીમ કેકેઆરથી બે પોઈન્ટ આગળ છે અને રાજસ્થાન રોયલ્સને હરાવ્યા બાદ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ડિવિલિયર્સ શાનદાર ફોર્મમાં છે જેણે રોયલ્સ વિરુદ્ધ 22 બોલમાં 55 રની ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. કેપ્ટન કોહલી પણ સારી શરૂઆત બાદ મોટી ઈનિંગ રમવા ઈચ્છશે જેથી ટીમની પ્લેઓફની આશામાં વધારો થશે.