આઇપીએલનો પ્રારંભ થવામાં હવે એક મહિના કરતાં ઓછો સમય બાકી રહી ગયો છે. તમામ ટીમ આ માટે યુનાઇટેડ આરબ અમિરાત પહોંચી ગઈ છે. તેઓ વહેલી તકે પ્રેક્ટિસ શરૂ કરવાના પ્રયાસમાં છે. કોલકાતા નાઈટ રાઇડર્સ ટૂંક સમયમાં તેની પ્રેક્ટિસ શરૂ કરશે પરંતુ તે પહેલાં જ શાહરૂખ ખાનની ટીમને એક મોટો ઝાટકો લાગ્યો છે.

કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમમાં સામેલ ઈંગ્લેન્ડનો ક્રિકેટર હૈરી ગર્ની આગામી આઈપીએલમાંથી બહાર થઇ ગયો છે. ટીમના સ્ટાર બોલર હૈરી ગર્નીએ ખુદ આ બાબતની પુષ્ટિ કરી છે, તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે 'હું આઈપીએલ 2020માં ભાગ લઈ નહીં શકું, મારી સર્જરીને કારણે હું આઈપીએલમાં રમી શકું તેમ નથી.' આમ કહીને હૈરીએ સોશિયલ મીડિયા પર નાઈટ રાઇડર્સ ટીમને ટાઇટલ જીતવા માટેની શુભેચ્છા પાઠવી હતી.ખભાની ઇજાને કારણે હેરીનું ઓપરેશન કરવામાં આવશે, જે આ સમયે સૌથી અગત્યનું છે.

2019માં હૈરીએ કેકેઆર માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. છેલ્લી સિઝનમાં આટ મેચમાં રાઇડર્સ માટે તેણે સાત વિકેટ ઝડપી હતી અને તે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં મેન ઓફ ધ મેચ પણ રહ્યો હતો.

દિનેશ કાર્તિકની આગેવાની હેઠળ કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાં આંદ્રે રસેલ જેવા વિસ્ફોટક બેટ્સમેનનો સમાવેશ છે. ટીમમાં સુનીલ નારાયણ જેવા ઓલરાઉન્ડર ક્રિકેટરો, લ્યૂક ફર્ગ્યુસન અને કુલદીપ યાદવ જેવા બોલરોનો પણ સમાવેશ થાય છે કે તેવામાં ટીમમાં હૈરીના સમાવેશથી ટીમને વધુ મજબૂત બની ગઈ હોત.