અરવલ્લી, તા.૧૩ 

અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકમાં ખાબકેલા ભારે વરસાદના કારણે શામળાજી પાસે આવેલ વાઘપુર અને કુરલા સરકી લીમડી જવાનાં રોડ વચ્ચે આવેલ અન્ડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. જેના પરિણામે પ્રજાજનોને ભારે હાલાકી પડી રહી છે.

 અરવલ્લી જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. શામળાજી પંથકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શામળાજીના વાઘપુર પાસે આવેલા રેલવે અંડર પાસમાં પાણી ભરાઈ ગયું છે. વાઘપુર અને કુરલા ગામ પાસે પસાર થતી રેલવેના કારણે બંને ગામને જોડતો રેલવે અન્ડર પાસ રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે. પરંતુ જે તે સમયે અન્ડરપાસમાંથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. જેથી બે વર્ષથી દર ચોમાસામાં અન્ડરપાસમાં ઘૂંટણ સમાં પાણી ભરાઈ જાય છે.બંને ગામોનો તમામ વ્યવહાર ખોરવાઈ જાય છે. વાઘપુર ગામની શાળા તેમજ અન્ય દૂધ અને વહીવટી કામકામ માટે આ અન્ડરપાસ થઈને જવુ પડે છે એટલે આ વિસ્તારના રહીશો ચોમાસામાં સંપર્ક વિહોણા થઈ જાય છે.