વડોદરા : બાપોદ પોલીસ મથકની હદમાં આવતા આજવા રોડ ખાતે એક ભરવાડ યુવાક પર થયેલા જીવલેણ હુમલાને કારણે આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. હુમલાખોરો મુસ્લીમ હોવાથી એક તબક્કે હીન્દુ મુસ્લીમ તોફાનની અફવાને કારણે જાહેર માર્ગોની દુકાનો ફટાફટ બંધ થવા લાગી હતી અને પોલીસ કાફલો આવી પહોંચતા ટ્રાફિકથી ધમધમતો માર્ગ સુમસામ બન્યો હતો. ઘાયલ યુવકને તાત્કાલીક ખાનગી દવાખાનામાં ખસેડાયા બાદ એને સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યા એની તાત્કાલીક શસ્ત્રીક્રિયા હાથ ધરવામાં આવી હતી.

વડોદરા. એક અઠવાડીયા પહેલા ગોલ્ડન ચોકડી ખાતે ઓટો રીક્ષામાં મુસાફરો બેસાડવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં મંગળવારે એક રીક્ષા ચાલકે બીજા રીક્ષા ચાલકના ગળામાં ચાકૂથી હુમલો કરી જીવલેણ ઇજા પહોંચાડી હતી. હુમલામાં ગંભીર રીતે ઇજા પામેલા રિક્ષા ચાલકને સયાજી હોસ્પિટલ માટે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી શિવનગર સોસાયટીમાં રહેતો હાર્દિક ઉર્ફ લાલા નાજાભાઇ ભરવાડ અને આજવા રોડ બહાર કોલોનીમાં રહેતો સરફરાજ મયુદ્દીન બચારવાલા ઓટો રિક્ષા ચલાવે છે. એક અઠવાડિયા પહેલા બંને વચ્ચે રીક્ષામાં મુસાફરો બેસાડવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં આજે સવારે બંને વચ્ચે આજવા રોડ શ્રી હરી ટાઉનશિપ પાસે ઝઘડો થયો હતો. મંગળવારે સવારે હાર્દિક ઉર્ફ લાલા ભરવાડ પોતાની રીક્ષા લઇને આજવા રોડ શ્રી હરી ટાઉનશિપ ખાતે આવી પહોંચ્યો હતો. તે સમયે સરફરાજ બચારવાલા પણ હાજર હતો. જોતજોતામાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઇ હતી. જેમાં સરફરાજે પોતાના ખિસ્સામાંથી ચાકુ કાઢીને હાર્દિક ઉર્ફ લાલાના ગળામાં મારી દીધું હતું અને સ્થળ પરથી પોતાની ઓટો રીક્ષા લઇને ફરાર થઇ ગયો હતો. દરમિયાન હાર્દિક ઉર્ફ લાલા ભરવાડ ઉપર ચાકુથી હુમલો થયો હોવાની જાણ તેઓના મિત્રોને થતાં દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

રીક્ષા ચાલક હાર્દિક ઉર્ફ લાલા ભરવાડ ઉપર સવારે થયેલા હુમલાના આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવા એંધાણ છે. હાર્દિક ઉર્ફ લાલાને ગંભીર ઇજા પહોંચી હોવાની જાણ તેના મિત્રોને થતાં સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બીજી બાજુ આ બનાવ અંગે બાપોદ પોલીસ મથકમાં ઇજાગ્રસ્તના પિતા નાજાભાઇ ભરવાડે નોંધાવેલી ફરિયાદના આધારે હુમલાખોર સામે સરફરાજ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે હાર્દિક ઉર્ફ લાલા ભરવાડ અને સરફરાજ મયુદ્દીન બચારવાલાએ સામ-સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

ઘટનાના ઉગ્ર પડઘા પડે તેવી શક્યતા

ભરવાડ યુવક ઉપર હુમલાની જાણ થતા હાથમાં લાકડીઓ લઇ ટોલેટોળા સ્થળ ઉપર ઉમટ્યા હતાં. જાેકે પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી પરીસ્થીતી વણસે એ પહેલા સંભાળી લીધી હતી. આજવા રોડ સરદાર એસ્ટેટથી માંડી છેક આજવા ચોકડી સુધી લાયસન્સ વગર રીક્ષા હંકારતા ભરવાડો અને મુસ્લીમો વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો હતો જેના પડઘા આજે પડ્યા હતા. ગમે ત્યારે વળતો હુમલો પણ થઇ શકે એમ હોવાનું જાણવા મળ્યુ છે.

માથાભારે રીક્ષા ચાલકોનો ત્રાસ દુર કરવા માગ

એકતા નગરમા થયેલા હુમલાના સમાચારની શાહી હજી સુકાઇ નથી ત્યાં જ બાપોદ પોલીસની કોઇ જ બીક ના હોય એમ જાહેર માર્ગ ઉપર આજે ધારદાર હથીયારથી થયેલા હુમલાનો બીજાે બનાવન બનતા વિસ્તારના રહીશોમાં ફફળાટ ફેલાયો છે અને પોલીસ સમક્ષ માથાભારે રીક્ષા ચાલકોનો ત્રાસ દુર કરવા માગ ઉભી થઇ છે.