વડોદરા : શહેરના ભરચક અને અવરજવરવાળા માર્ગ ઉપર આવેલ જ્વેલર્સની દુકાનમાં દિનદહાડે બે લુંટારુઓએ ધસી જઈને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસના ચોપડે નોંધાયો છે. બપોરના સમયે ફતેપુરા ચાંપાનેર દરવાજા પાસે જ્વેલર્સની દુકાનમાં ઘૂસેલા બે લુંટારુઓએ દુકાનમાલિકના ગળા ઉપર ચપ્પુ મુકી રૂા.પ૦૦૦ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લૉકડાઉન બાદ બજાર ખૂલતાં જ થયેલી લૂંટ પાછળ બેકાર બનેલા યુવાનોની સંડોવણી હોવાની શક્યતા છે એમ પોલીસસૂત્રોએ જણાવ્યંુ હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર શહેરના ફતેપુરા ચાંપાનેર દરવાજા પાસે મે.ચોક્સી મોહનલાલ ડાહ્યાભાઇની જ્વેલર્સની દુકાન આવેલી છે. આ દુકાનથી ૧૦૦ ફૂટ દૂર ચાંપાનેર પોલીસ ચોકી આવેલી છે. મે.ચોક્સી મોહનલાલ ડાહ્યાભાઇ જ્વેલર્સના માલિક પ્રફુલભાઇ ચોક્સી બપોરે લગભગ દોઢ વાગ્યાના સુમારે પોતાની દુકાનમાં એકલા જ હતા તે સમય દરમિયાન પાતળી કાઠીના બે લૂંટારુઓ દુકાનમાં ધસી આવ્યા હતા અને બે પૈકી એક લૂંટારાએ દુકાનનું શટર બંધ કરી દીધું હતું અને બીજાએ દુકાનમાલિક પ્રફૂલભાઇના ગળા ઉપર ચાકુ મૂકી દીધું હતું. દુકાનનું શટર બંધ કર્યા બાદ લૂંટારાઓએ પ્રફૂલભાઇને માર માર્યો હતો.ગળા ઉપર ચાકુ મુકતાં અને માર મારવાનું શરૂ કરતાં પ્રફૂલભાઇ ચોક્સી ગભરાઇ ગયા હતા. દુકાનમાલિકે લૂંટારાઓને કહ્યું હતું કે મને મારશો નહિં, તમારે જે જાેઇએ તે લઇ જાવ... લૂંટારાઓ પાંચ જ મિનિટમાં દુકાનના ગલ્લામાં પડેલા આશરે રૂા. ૪-૫ હજારની લૂંટ ચલાવી શટર ખોલીને ફરાર થઇ ગયા હતા. દુકાન માલિક શટર ખોલીને બહાર આવે તે પહેલાં લૂંટારાઓ રવાના થઇ ગયા હતા. દરમિયાન લૂંટના બનાવની જાણ વાયુવેગે પ્રસરી જતાં સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થઇ ગયાં હતાં. આ બનાવની જાણ થતાં ચાંપાનેર પોલીસ ચોકીના જવાનો દોડી આવ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ સીટી પોલીસને કરવામાંઅ આવતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો ભોગ બનેલા મે. ચોક્સી મોહનલાલ ડાહ્યાભાઇ નામની દુકાનના માલિક પ્રફૂલભાઇ પાસે લૂંટારુઓ અંગેની વિગતો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે ચાંપાનેર દરવાજા વિસ્તારમાં ચકચાર મચાવી મુકી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની ચેઇન તોડવા માટે લગાવવામાં આવેલા ૨૪ દિવસના લોકડાઉન બાદ શુક્રવારથી બજારો શરૂ થતાંની સાથે જ બજારો કિડિયારાની જેમ ઊભરાઇ રહ્યાં છે. બજારો ખૂલવાના પ્રથમ દિવસે બજારોમાં નહિંવત્‌ ભીડ જાેવા મળી હતી. પરંતુ આજે બીજા દિવસે બજારો કિડિયારાની જેમ ઊભરાયા હતા. ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. બજારોમાં ઊભરાતાંની સાથે જ લૂંટારુ ટોળકી સક્રિય થઇ ગઇ હતી અને વાહનોથી ધમધમતા ચાંપાનેર દરવાજાને અડીને આવેલી સોનીની દુકાનમાં ધસી જઇ દુકાનમાલિકને માર મારી ચાકુની અણીએ રૂા.૫ હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. લૂંટના આ બનાવ અંગે સિટી પોલીસે અજાણ્યા લૂંટારુઓ સામે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

----------------

‘’