અમદાવાદ-

વર્ષ 2017માં સોમાભાઈ પટેલ સામે વિધાનસભાની ચૂંટણી કિરીટસિંહ રાણા હાર્યાં હતાં. પરંતુ તે અગાઉ આ બેઠક ઉપરથી ઘણીવાર જીતી ચૂક્યાં છે. આ ઉપરાંત તેઓ રાજ્ય સરકારમાં પ્રધાન તરીકે પણ રહી ચૂક્યાં છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આવતાંની સાથે કોંગ્રેસીઓને ટિકિટ આપવાની ના પાડી હતી. પરંતુ રાજ્યસભાની ચૂંટણીઓમાં ભાજપમાં જોડાયેલ પાંચેય પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ લીંબડી સહિતની બેઠકો ઉપર રાજ્ય સરકાર સામે આંદોલન ચલાવી રહેલ બેરોજગાર યુવાનોએ પણ ઉમેદવારી નોંધાવી છે. જો કે આ વખતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. નાગરિકો ઉપર સરકાર દ્વારા પ્રતિબંધો નાગરિકો ઉપર મુકાતાં અને નેતાઓ ઉપર કોઈ પ્રતિબંધ ન હોવાથી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ 3 નવેમ્બરે યોજાનાર છે. ત્યારે ભાજપે આઠેય બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. મોટાભાગના ઉમેદવારોએ પોતાનું નામાંકન પણ દાખલ કરી દીધું છે. ત્યારે ચર્ચાસ્પદ ગણાતી સુરેન્દ્રનગરની લીંબડીની બેઠક પર ભાજપે કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ આવ્યાં હતાં. રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યાં છે. બીજા નોરતાંએ તેઓ પોતાના વતન માણસામાં કુળદેવીના દર્શન કરીને ત્યાર બાદ તેઓ દિલ્હી પરત ફરે તેવી સંભાવના છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના નેતાઓની વર્ચ્યુઅલ બેઠકો ચાલુ છે. ત્યારે ભાજપના ચાણકય અમિત શાહ પણ વર્ચ્યુઅલ રેલીઓ યોજે તેવી સંભાવના છે.