શારજાહ : 

શારજાહના મેદાન પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝનનો 31મો મુકાબલો શરૂ થતાં જ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલીએ એક કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે. આ મેચ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ હતી, જેમાં વિરાટ કોહલીએ મેચોના મામલામાં આરસીબી માટે બેવડી સદી ફટકારી છે. આ તકે વિરાટે નિવેદન પણ આપ્યુ અને કહ્યુ કે, આ કોઈ સન્માનથી ઓછુ નથી.

હકીકતમાં, વિરાટ કોહલી આઈપીએલના ઈતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે પંજાબ વિરુદ્ધ પોતાની 185મી મેચ રમવા મેદાન પર ઉતર્યો છે. આ સાથે તે આરસીબી માટે 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે આરસીબી માટે તેણે 185 મેચ આઈપીએલમાં રમી છે તો પછી 200 મેચ કેમ થઈ ગઈ? જો તમે આ વિચારી રહ્યાં છો તો તમે ખોટા નથી, પરંતુ તેણે ગુરૂવાર 15 ઓક્ટોબરે આરસીબી માટે 200મી મેચ રમી.

વિરાટ કોહલીએ 15 મેચ આરસીબી માટે ચેમ્પિયન્સ લીગ ટી20મા રમી છે. આ રીતે તે બેંગલોર ફ્રેન્ચાઇઝી માટે 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તો આ તકે તેને ટોસ દરમિયાન પૂછવામાં આવ્યું કે આ ખાસ સિદ્ધિ હાસિલ કર્યા બાદ કેવો અનુભવ થઈ રહ્યો છે તો તેમણે કહ્યું કે, મારા માટે આનું ઘણું મહત્વ છે.

આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ- મારા માટે આરસીબી ખુબ મહત્વની છે, મારા આ ઇમોશનને ઘણા લોકો નથી સમજી શકતા. ટીમ માટે 200 મેચ અદ્ભુત વાત છે. મેં 2008મા ક્યારેય વિચાર્યું નહતું. આ મારા માટે સન્માનની વાત છે. તેણે મને યથાવત રાખ્યો અને હું ટીમ સાથે રહ્યો. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી છે, જે અત્યાર સુધી આઈપીએલમાં એક જ ટીમ માટે રમી રહ્યો છે.