નવી દિલ્હી 

પિતાને ગુમાવી ચૂકેલા ભારતીય બોલર મોહમ્મ્દ સિરાજને હિંમત આપતા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, મિયાં! સ્ટ્રોંગ બનો અને પિતાનું સપનું પૂરું કરો. આ વાત સોમવારે સિરાજે BCCI ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં કરી. તેણે કહ્યું કે, મુશ્કેલ સમયમાં સમગ્ર ટીમ પરિવારની જેમ મારી સાથે ઉભી રહી.

સિરાજે કહ્યું કે, મારા પિતા ઇચ્છતા હતા કે હું મારા દેશ માટે રમું અને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં સારો દેખાવ કરું. તેમજ મારા પ્રદર્શનથી મારી ટીમને મારા પર ગર્વ થાય. હું મારા પિતા માટે આ સીરિઝ જીતવા માગુ છું.

મોહમ્મદ સિરાજ (26) ના પિતા મોહમ્મદ પિતા મોહમ્મદ ઘોસ(53)નું 20 નવેમ્બરે હૈદરાબાદમાં નિધન થયું હતું. તેઓ ઘણાં સમયથી ફેફસાની બીમારીનો સામનો કરી રહ્યા હતા.

BCCI ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં સિરાજે સોમવારે કહ્યું કે, મારા પિતાનું નિધન મારા માટે સૌથી મોટી ખોટ છે, કારણ કે તે મારો સૌથી મોટા સપોર્ટર હતા. મારા પિતાની ઇચ્છા હતી કે હું દેશ માટે રમું અને કંઇક કરીને બતાવું. હવે હું મારા પિતાના બધા સપના પૂરા કરવા માંગુ છું. સિરાજે કહ્યું આજે તેઓ મારી સાથે નથી છતાં મારા દિલમાં છે. મેં મારી માતા સાથે પણ વાત કરી. તેમણે મને મારા પિતાના સપના વિશે કહ્યું અને ટીમ ઇન્ડિયા વતી સારું રમવા પ્રોત્સાહિત કર્યો.

26 વર્ષીય સિરાજે કહ્યું કે, દુઃખના દિવસોમાં સમગ્ર ટીમ પરિવારની જેમ મારી સાથે ઉભી રહી. કેપ્ટન વિરાટ કોહલીએ મને હિંમત રાખવા અને પિતાનું સપનું પૂરું કરવા પર ફોકસ કરવા કહ્યું. સિરાજ, IPLમાં કોહલીની કપ્તાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર વતી રમે છે.