મુંબઇ-

ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટનશીપને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર ટી-20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્માને વનડે અને ટી-20 નો કેપ્ટન બનાવી શકાય છે, જ્યારે વિરાટ કોહલી માત્ર ટેસ્ટ મેચમાં કેપ્ટન બનશે. કેપ્ટન વિરાટ કોહલી ખુદ તેની જાહેરાત કરી શકે છે.

ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી ટી-20 વર્લ્ડ કપ બાદ મર્યાદિત ઓવરની કેપ્ટનશીપ છોડી દેશે અને તે પછી રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવશે.

વિરાટ કોહલીએ માત્ર ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ કરવાનો નિર્ણય કર્યો છે અને તે વનડે અને ટી 20 ની કેપ્ટનશીપ છોડી દેશે. સૂત્ર અનુસાર વિરાટ કોહલી પોતે તેની જાહેરાત કરશે. તે પોતાનું ધ્યાન સંપૂર્ણપણે બેટિંગ પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને ફરી એક વખત તે વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન બનવા માંગે છે.

વિરાટ કોહલીએ અત્યાર સુધી 95 વનડેમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી ટીમે 65 મેચ જીતી છે અને 27 મેચ હારી છે. તેની જીતની ટકાવારી 70.43 છે. તે જ સમયે તેણે 45 ટી-20 મેચોમાં પણ કેપ્ટનશીપ કરી છે અને તેમાંથી ભારતીય ટીમે 27 મેચ જીતી છે અને 14 મેચ હારી છે.

રોહિત શર્માની વાત કરીએ તો તેણે 10 વનડે અને 19 ટી-20 મેચમાં કેપ્ટન્સીની જવાબદારી લીધી છે. તેમાંથી તેઓએ આઠ અને 15 મેચ જીતી છે.