આણંદ : સોજિત્રા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતાં બે સરકારી કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ મામલતદાર કચેરીના બે વિભાગને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલતદાર કચેરીને સેનિટાઇઝ કરવામાં આવી હતી. તેમજ અન્ય કર્મચારીઓની ચકાસણી હાથ ધરવામાં આવશે. ૧૪ દિવસ માટે બંને કચેરીઓના કામ બંધ રાખવામાં આવશે. 

સોજિત્રા મામલતદાર કચેરીમાં રેવન્યૂ વિભાગમાં ફરજ બજાવતાં એક કર્મચારી અને સબરજિસ્ટાર કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી બીમાર હોવાથી રિપોર્ટ કઢાવતા બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સવારમાં જ સ્થાનિક નગરપાલિકા અને તંત્ર દ્વારા મામલતદાર કચેરીમાં જઈને રેવન્યૂ તલાટી વિભાગ અને સબરજીસ્ટાર કચેરી વિસ્તારને બંધ કરીને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. બે કેસ મળતાં કચેરીઓને સેનિટાઇઝ કરવામાં આવી હતી.

સોજિત્રામાં એક પખવાડિયા બાદ ફરી કેસ જાેવાં મળ્યાં હતાં. સ્થાનિક લોકોની બેદરકારીને કારણે કેસ વધી રહ્યાં હોવાનું નાગરિકો જણાવી રહ્યાં છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી ૩૮ હજાર શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાં ૩૭,૨૦૦ જેટલાં રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.

પંદર દિવસમાં પાંચ હજાર રેપીડ ટેસ્ટ

છેલ્લાં પંદર દિવસમાં પાંચ હજારથી વધુ લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણ ધરાવતાં દર્દીઓને તાત્કાલિક સારવાર માટે નજીકના સેન્ટર પર લઈ જવામાં આવ્યા હતા.

૧૦૦થી વધુ મોત, પણ આંકડો છુપાવાઈ છે?

ચરોતરમાં અત્યાર સુધી બંને જિલ્લામાં થઈ ૧૮૦૦થી વધુ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે. એવી ચર્ચા છે કે, ૧૦૦થી વધુ લોકોનાં મોત પણ નીપજી ચૂક્યાં છે. છતાં પણ તંત્ર દ્વારા મૃત્યુદર છુપાવીને આંક ઓછો બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.