મુંબઇ

આઈપીએલની 15 મી મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ રમાઇ હતી જેમાં પ્રથમ બોલિંગ કરતા ચેન્નાઇની ટીમે 220 રન કર્યા હતા અને કોલકત્તાએ માત્ર 31 રનમાં જ 5 વિકેેટ ગુમાવી દીધા છતા પણ અંતિમ ઓવર સુધી મેચ લઇ ગયા અને અંતિમ ઓવરમાં ઓલ આઉટ થતા ચેન્નાઇએ 18 રને મેચ જીતી લીધી હતી.

આ સાથે ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે કોલકત્તાનો ચાર મેચમાં આ ત્રીજો પરાજય છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 3 વિકેટે 220 રન બનાવ્યા હતા. ડુપ્લેસિ 60 બોલમાં નવ ચોગ્ગા અને ચાર સિક્સર સાથે અણનમ 85 રનની લાજવાબ ઈનિંગ્સ રમી હતી. 

જેના જવાબમાં કોલકત્તાની ટીમ 19.1 ઓવરમાં 202 રન બનાવી રનઆઉટ થઈ ગઈ હતી. આજની મેચમાં સિક્સનો વરસાદ થયો હતો. વાનખેડેમાં કુલ 26 સિક્સ લાગી હતી.

221 રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની શરૂઆત અત્યંત કંગાળ રહી હતી. ટીમે 31 રનમાં પોતાની અડધી ટીમ ગુમાવી દીધી હતી. ટોચના પાંચ બેટ્સમેન બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યા ન હતા.કોલકાતાએ 31 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધા બાદ ચેન્નઈ સુપર કિંગ્સ આસાનીથી જીતી જશે તેવું લાગી રહ્યું હતું. ત્યારે દિનેશ કાર્તિક અને આન્દ્રે રસેલે બાજી સંભાળી હતી અને ચેન્નઈ સામે વળતો પ્રહાર કર્યો હતો. આ જોડીએ 81 રનની ભાગીદારી નોંધાવી હતી. બંનેએ તોફાની બેટિંગ કરીને સ્કોરબોર્ડને ઝડપથી ફરતું કર્યું હતું. કાર્તિક 24 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 40 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે રસેલે 22 બોલમાં 54 રન ફટકાર્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને છ સિક્સર સામેલ હતી. જ્યારે પેટ કમિન્સે અંત સુધી લડત આપી હતી પરંતુ લોઅર ઓર્ડરમાં વિકેટો પડી જવાના કારણે તે ટીમને વિજય અપાવી શક્યો ન હતો. તેણે 34 બોલમાં ચાર ચોગ્ગા અને છ સિક્સર સાથે અણનમ 66 રનની ઈનિંગ્સ રમી હતી. ચેન્નઈ માટે દીપક ચહરે ચાર, લુંગી નગિડીએ ત્રણ તથા સેમ કરને એક વિકેટ ઝડપી હતી.