વડોદરા : માસ્ક નહી પહેરવાના મુદ્દે વાહનચાલકો અને રાહદારીઓ પર રોકડા ૧ હજારના દંડના નામે કાળો કેર વર્તાવી રહેલી શહેર પોલીસ શાસક પક્ષ ભાજપાના ઘુંટણીયે પડી ગઈ હોય તેમ ગઈ કાલે બનેલા બનાવથી સપાટી પર આવ્યું છે. ભાજપાના કોર્પોરેટર અને ટાઉન પ્લાનીંગ સમિતિના અધ્યક્ષ બંદીશ શાહને ગઈ કાલે બાલભવન પાસે સયાજીગંજ પોલીસે માસ્ક પહેર્યા વિના જતા અટકાવતા જ સત્તાના નશામાં મદ બનેલા બંદીશ શાહે તમે અમારી ગાડી કેમ રોકી, અમારી સરકાર છે તેવી દમદાટી આપી દંડ ભર્યા વિના જ કારમાં રવાના થઈ જતા ચકચાર જાગી છે. જાેકે કોર્પોરેટર બંદીશ શાહની આ કરતુતને સયાજીગંજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સ્ટેશન ડાયરીમાં કાયદેસર નોંધ કરાવી હતી પરંતું ભાજપાની જીહજુરી કરતા સયાજીગંજ પોલીસ મથકના વિવાદાસ્પદ પીઆઈ આલે એવો કોઈ બનાવ નથી બન્યો તેમ કહી સમગ્ર પ્રકરણમાં પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો.

શહેરમાં વહેલી સવારથી જ માસ્કનો દંડ ઉઘરાવવા માટે ઠેરઠેર ઉમટી પડતા પોલીસ જવાનો સામાન્ય નાગરીક કે દંડ ભરવા માટે સક્ષમ ના હોય તેવી કોઈ વ્યકિતને છોડતી નથી. જાે દંડ ના ભરે તો તેની સામે જાહેરનામાના ભંગની ફરિયાદ સુધ્ધા દાખલ કરી દે છે પરંતું કોઈ માલેતુજાર કે વગદાર વ્યકિત સામે કાર્યવાહી કરવાની આવે તો કાયદાના હાથ ટુંકા પડે છે. ગઈ કાલે કમાટીબાગ બાલભવન પાસેથી કારમાં ડ્રાઈવરની બાજુમાં બેસીને જઈ રહેલા ભાજપાના કોર્પોરેટર તેમજ કોર્પોરેશનની મલાઈદાર ટાઉન પ્લાનીંગ કમિટીના અધ્યક્ષ બંદીશ શાહને સયાજીગંજ પોલીસ મથકના હેકો ધીરૂભાઈ મગનભાઈએ માસ્ક પહેર્યા વિના કારમાં જતા હોઈ અટકાવ્યા હતા. જાેકે બંદીશ શાહે પોલીસ સાથે ઉધ્ધતાઈપુર્વરક વર્તન કરી અમારી ગાડી કેમ રોકી ? સરકાર અમારી છે..તેવી ધમકી આપી રકઝક કરતા ટોળું ભેગુ થયું હતું. પોલીસની વારંવાર વિનંતી બાદ પણ બંદીશ શાહ દંડ ભર્યા વિના ત્યાંથી રવાના થતા ભાજપા કોર્પોરેટર પર ટોળાંએ ફીટકાર વરસાવ્યો હતો અને પોલીસ માત્ર સામાન્ય અને ગરીબ લોકો પર જ કાયદાનું શસ્ત્ર ઉગામે છે તેવો પણ બળાપો ઠાલવ્યો હતો.

જાેકે હેકો ધીરુભાઈએ હિમ્મતભેર આ સમગ્ર બનાવની સયાજીગંજ પોલીસ મથકની સ્ટેશન ડાયરીમાં કાયદેસર નોંધ કરાવી હતી પરંતું તેમ છતાં બંદીશ શાહ સામે પગલા લેવા માટે પોલીસ તંત્ર વામણુ પુરવાર થયું છે. એટલું જ નહી આ બનાવ બાદ સયાજીગંજના પીઆઈ વી બી આલે સમગ્ર બનાવ પર ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો અને માસ્ક નહોંતું પહેર્યું એટલે રોકેલા અને ઓળખ આપી એટલે જવા દીધા તેમ જણાવ્યું હતું પરંતું સ્ટેશન ડાયરીમાં બંદીશ શાહ વિરુધ્ધ નોંધ કરી છે તે વાત ઠેક સુધી જણાવી નહોંતી અને જયારે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી છે તેવી લોકસત્તા-જનસત્તા દ્વારા સામેથી જાણ કરતા તેમણે પોલીસ કર્મચારી પર ભવિષ્યમાં કોઈ ખોટા આક્ષેપો ના થાય તે માટે સલામતી માટે નોંધ કરાઈ છે તેમ જણાવ્યું હતું.

ભાજપા અગ્રણી સામે ફરિયાદ કરીશું તો બદલી થશે એવી ભીતિ સતાવતી હશે?

થોડાક સમય અગાઉ જ શહેર ભાજપાના અગ્રણી અને પુર્વ મેયર સુનિલ સોલંકીએ મનુભાઈ ટાવર ખાતે આવેલી ભાજપા કાર્યાલયમાં કાર્યકરોના ટોળા સાથે પોતાની બર્થ ડે ઉજવી હતી અને આ ઉજવણીના વિડીઓ-ફોટા સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં સયાજીગંજ પોલીસને જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી હતી. જાેકે આ ફરિયાદ બાદ શહેર પોલીસના તત્કાલિન કમિ. બ્રહ્મભટ્ટની બદલી થતાં આ બદલી ભાજપા અગ્રણી સામે ફરિયાદ બાદ ભાજપા-પોલીસ વચ્ચે વટનો ઈશ્યુ થતા કરાઈ હોવાની વાત પણ વહેતી થઈ હતી. આ બનાવ બાદ હવે વધુ એક ભાજપા અગ્રણીએ જાહેરનામાનો ભંગ કર્યો છે પરંતું તેની સામે કોઈ કાર્યવાહી નહી થતાં પોલીસ તંત્ર શાસક પક્ષની નારાજગી વહોરવા નહી માંગતા ઘુંટણીયે પડી ગયુ હોવાની પણ ચર્ચા છે.

શું છે સ્ટેશન ડાયરીમાં નોંધ

‘‘આ વખતે હેકો ધીરુભાઈ મગનભાઈ નાઓએ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આપેલ કે આજ રોજ અમે અને સ્ટાફના માણસો પીઆઈશ્રીની સુચના મુજબ કમાટીબાગ બાલભવન રોડ પર માસ્ક પાવતી કામગીરીમાં હતા તે સમયે ૧૨.૧૦ વાગે એક ફોરવ્હીલ કાર જીજે-૦૬-કેઆર ૯૩૧૨ આવેલા જેમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલા ઈસમે માસ્ક નહી પહેરેલ જેથી તેને અમે રોકેલ ત્યારે તેણે અમને કહેલ કે તમે અમારી ગાડી કેમ રોકેલ છે ? હું ભાજપનો કોર્પોરેટર બંદીશ શાહ છું અને હાલમાં અમારી સરકાર ચાલે છે.તમે અમારી ગાડી ખોટી રીતે રોકેલ છે અને અમે માસ્ક પહેરેલ છે તેમ કહી બોલાચાલી કરી જતા રહેલ’’