લોકસત્તા વિશેષ : શહેરના નાગરીકોને સુખાકારી અને પ્રાથમિક જરૃરીયાતો પુરી કરતી વડોદરા મ્યુનિશિપલ કોર્પોરેશનના સર્વ સત્તાધીશ અને શહેરના પ્રથમ નાગરીક એવા મેયર કેયુર રોકડીયાને નબળા અને અપરિપક્વ સાબિત કરવા માટે ભાજપમાં જ કારસો રચાયો હોવાનું સપાટી પર આવી રહ્યું છે. અગાઉ સંગઠન દ્વારા કોરોના સંક્રમિતોની સેવા માટે શરૃ કરવામાં આવેલા સમાંતર અભિયાન બાદ હવે કોરોના સામે લડવા માટે મેયર દ્વારા પ્રત્યેક કોર્પોરેટરના ક્વોટાના રૃપિયા ફાળવવાની કરાયેલી જાહેરાતના વિરોધમાં આજે સંકલન સમિતિની બેઠકમાં હોબાળો થયો હતો. શહેર ભાજપ સંગઠન જુથની કિચન કેબીનેટના સભ્ય એવા કોર્પોરેટર દ્વારા મેયર દ્વારા ક્વોટાની કરવામાં આવેલી ફાળવણીનો ખુલ્લેઆમ વિરોધ કરી કોર્પોરેટરના ક્વોટાના બદલે ફોડવારી બજેટ ફાળવવા માટેની માંગણી કરતા ચકમક ઝરી હતી.

કોર્પોરેશનના વહીવટમાં પરોક્ષ રીતે ચંચુપાત કરવાની ભાજપની જુની પ્રથા એટલે સંકલન સમિતિની બેઠક. આજે સ્થાયી સમિતિના એજન્ડા માટે મળેલી સંકલન સમિતિની બેઠકમાં શહેર ભાજપ સંગઠન જુથના મનાતા કોર્પોરેટર દ્વારા કાઉન્સિલરના ક્વોટામાંથી કોરોના સામેની લડાઈમાં રૃપિયા ૨.૫૦ લાખ ફાળવવાની મેયર કેયુર રોકડીયાએ કરેલી જાહેરાતનો ખુલ્લો વિરોધ કર્યો હતો. મેયર દ્વારા ભાજપના કોર્પોરેટરોને વિશ્વાસમાં લીધા સિવાય આવી જાહેરાત કેવી રીતે કરાય તેમ જણાવી આ કોર્પોરેટરે ક્વોટાના બદલે આ ખર્ચ ફોડવારી બજેટમાં ફાળવવાની માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છેકે મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા ધારાસભ્યોના ક્વોટામાંથી પણ રૃપિયા ૫૦ લાખની ગ્રાંટ કોરોના સામેની લડાઈમાં ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજ રીતે મેયર કેયુર રોકડીયા દ્વારા પણ ભાજપના પ્રત્યેક કોર્પોરેટરને બજેટમાં ફાળવવામાં આવતા ક્વોટામાંથી રૃપિયા ૨.૫૦ લાખ કોરોના સામેની લડાઈમાં ખર્ચ કરવાની જાહેરાત પત્રકાર પરિષદ કરીને કરાઈ હતી. ત્યારે આ જાહેરાતમાં કોર્પોરેટરોને વિશ્વાસમાં નહીં લેવાયાના મુદ્દે સંગઠન જુથની કિચન કેબીનેટના કોર્પોરેટર દ્વારા હોબાળો મચાવવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. આ સમગ્ર પ્રક્રિયા ભાજપના જ મેયરને તેમના જ પક્ષના નેતાઓ દ્વારા નબળા અને અપરિપક્વ સાબિત કરવાનો કારસો હોવાનું ભાજપમાં જ ચર્ચાઈ રહ્યું છે.

મેયર, પ્રમુખ અને મહામંત્રી ગેરહાજર હતા

સયાજીગંજ મનુભાઈ ટાવર ખાતે મળતી શહેર ભાજપની કોર્પોરેશનને લગતી સંકલન સમિતિમાં આજે સ્થાયી સમિતિના એજન્ડા પર ચર્ચા થવાની હતી. આ બેઠકમાં સામાન્ય રીતે મેયર, ડે. મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, શહેર પ્રમુખ અને ૩ મહામંત્રી ઉપસ્થિત રહી ચર્ચા કરતા હોય છે. પરંતું આજે મળેલી સ્થાયી સમિતિના એજન્ડા પરની સંકલનની બેઠકમાં મેયર, પ્રમુખ અને ૩ મહામંત્રી ગેરહાજર રહ્યા હતા. આવા સમયે સંગઠન તરફી મનાતા કોર્પોરેટર દ્વારા મેયરના ર્નિણય સામે સવાલ ઉઠાવવામાં આવતા અનેક તર્કો વહેતા થયા છે.

રસીના સ્લોટના મુદ્દે પણ મેયરને નીચું દેખાડ્યું

આજે સાંજે કોર્પોરેશન દ્વારા કોરોના સામેની લડત લડવા તૈયાર કરવામાં આવેલા થીમ સોંગના લોંચ પ્રસંગે મેયર કેયુર રોકડીયાએ ૧૮થી ૪૫ વર્ષના લોકોને રસી મુકવા માટેનો સ્લોટ રોજ સાંજે ૫.૩૦ કલાકથી ૬.૦૦ કલાક સુધી ખુલશે તેવી જાહેરાત કરી હતી. મેયર દ્વારા કરવામાં આવેલી જાહેરાતના ૧૦ મિનિટમાં જ આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ શાહ દ્વારા આ સ્લોટની જાહેરાત આરોગ્ય સમિતિના સભ્યો અને ચેરમેનની સુચનાથી કરવામાં આવી હોવાની પોસ્ટ અને મેસેજ વહેતા કર્યા હતા. ત્યારે રસીના સ્લોટના મુદ્દે પણ મેયરને નીચુ દેખાડવાનો પ્રયાસ કરાયો હોવાનું ભાજપમાં જ ચર્ચાઈ રહ્યું છે.