વડોદરા : કરજણ વિધાનસભા બેઠકની પેટા ચુટણીમાં પ્રચાર માટે ગઈ સાંજે કુરાલી ગામ બસ સ્ટેન્ડ પાસે જાહેરસભા યોજ્યા બાદ પત્રકારો સાથે વાતચિત કરી રહેલા રાજ્યના ડે.સીએમ નિતીન પટેલ પર જુતુ ફેંકીને ફરાર થયેલા આરોપી વિરુધ્ધ કરજણ પોલીસ મથકમાં ગત મોડી રાત્રે ફરિયાદ નોંધાતા જિલ્લા એલસીબીએ આ બનાવના આરોપી કોંગી કાર્યકરની આજે મોડી રાત્રે અટકાયત કરી હતી. આગામી ૩જી નવેમ્બરના રોજ ગુજરાત રાજ્ય વિધાનસભાની કરજણ બેઠકની પેટા ચૂટણી યોજનારા છે. આ ચૂટણીના પ્રચાર માટે ગણતરીના દિવસો બાકી હોઈ ગઈ કાલે આ બેઠકના ભાજપાના ઉમેદાવારના પ્રચાર માટે ડેપ્યુટી સીએમ નિતીન પટેલની કુરાલ ખાતે જાહેરસભાનું આયોજન કરાયું હતું. કુરાલ ગામે બસ સ્ટેન્ડ પાસે જાહેરસભા પુરી થયા બાદ નિતીન પટેલ સ્ટેજ પરથી ઉતરીને સાંજે સવા સાત વાગે પત્રકારોને સંંબોધન કરતા હતા તે સમયે સભામાં ઉપસ્થિત ટોળા પૈકી કોઈએ તેમની તરફ જુતુ ફેંક્યું હતુ. ડેપ્યુટી સીએમ પર જુતુ ફેંકીને સાર્વજનિક ચુટણી સભામાં ઉપદ્રવ કરનાર મોંઢા પર માસ્ક પહેરીને આવેલો અજાણ્યો ઈસમ જુતુ ફેકી તુરંત પોતાની ઓળખ છુપાવીને સભામાંથી ફરાર થયો હતો. આ ઘટનાના દ્રશ્યો સોશ્યલ મિડિયામાં ભારે વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં આ બનાવે ભારે ચર્ચા જગાવી હતી. આ અપમાનજક ઘટનાથી સ્થાનિક ભાજપા કાર્યકરો –અગ્રણીઓમાં ભારે રોષ ફેલાયો હતો અને આ બનાવની કુરાલના ભાજપા કાર્યકર યોગેશ પટેલે કરજણ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરુધ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની જિલ્લા પોલીસની વિવિધ એજન્સીઓ આરોપીઓને શોધવા કામે લાગી હતી જેમાં એલસીબી પોલીસની ટીમે ડેપ્યુટી સીએમ પર જુતુ ફેંકનાર શિનોરમાં રહેતા રશ્મિન પટેલને આજે રાત્રે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.