ભુજ-

કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત અને કચ્છ જીલ્લાના હાહાકાર મચાવનાર મુન્દ્રા તાલુકાના સમા ઘોઘા ગામના ગઢવી સમાજનાં બે યુવાનોના મુન્દ્રા પોલીસના અમાનુશી અને નિર્દયી અત્યાચારના પગલે થયેલ કસ્ટોડીયલ મોતના બનાવોએ લોકશાહીમાં ભદ્ર સમાજ માટે લાંછન અને પીડાદાયક ઘટનાં છે. સામાન્ય ગુન્હાના નામે એક સપ્તાહ સુધી ત્રણ યુવાનોને ગેરકાયદેસર પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારી અમાનુષી ત્રાસ આપી ટોર્ચર કરી ગંભીર પ્રકારની ઇજાઓ પહોચાડી જે ઘટનામાં પ્રથમ એક યુવાન અને ત્યારબાદ ગઇકાલે અન્ય યુવાનની અમદાવાદ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ થયેલ મૃત્યુની ઘટનાથી સમગ્ર કચ્છ અને ગુજરાતમાં પોલીસ પ્રત્યે ફીટકાર વરસી રહ્યો છે.

આ બનાવના જવાબદારો સામે તાકીદની અસરથી કાર્યવાહી કરી ગુન્હામાં ફરાર પોલીસ કર્મચારીઓની તાત્કાલીક ધરપકડ કરી લોકોને પોલીસ પર વિશ્ર્વાસ બેસે તેવી કાર્યવાહી કરવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા રાજય પોલીસવડા આશીષ ભાટીયાને પત્ર પાઠવી માંગણી કરેલ છે. સમા ઘોઘાની આ ઘટનામાં પીડીત યુવાનોનાં પરિવારોને તાત્કાલીક ન્યાય નહી મળે અને જવાબદારો સામે તાકીદની અસરથી યોગ્ય કાર્યવાહી નહી કરાયતો ના છુટકે જીલ્લા કોંગ્રેસ સમીતીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.