ભુજ-

અબડાસામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને ખરીફ પાકોના ધોવાણ તેમજ નુકસાની બાબતના સર્વેમાં થઈ રહેલો વિલંબ ટાળી તાત્કાલીક સહાય ચુકવવા જિલ્લા વિકાસ અધિકારી સહ કચ્છના કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

ગ્રામસેવકોને સ્થાનિકે જઈ એક-એક ખેતરનું સર્વે કરી ફોટા પાડવાના હોય છે જેના કારણે અતિ વિલંબ થઈ રહ્યો છે. આ સર્વેની કામગીરી આવી જ રીતે ચાલતી રહેશે તો ઓછામાં ઓછા ત્રણ મહિના જેટલો સમય લાગશે. જ્યારે સરકાર દ્વારા જાહેરાત મુજબ 10 થી 20 દિવસમાં સર્વે કરી રીપોર્ટ કરવા જણાવવામાં આવ્યું છે. કચ્છ કલેક્ટર અને જિલ્લા ખેતીવાડી અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યુ્ં હતું કે, તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે અબડાસા તાલુકાના મોટાભાગના ગામોમાં ખેતીના પાકોમાં અતિથી અતિભારે નુકસાન થયો છે, જેના કારણે નાના અને સિમાંત ખેડૂતો પાયમાલ થયા છે. સરકારની જાહેરાત મુજબ ખેડૂતોને પાક ધોવાણની નુકસાની અંગે સર્વે કરી સહાય ચુકવવા જાહેરાત કરવામાં આવી છે. અબડાસા તાલુકામાં 136 જેટલા ગામડાઓ છે તેવામાં સામે પાક ઘોવાણના સર્વે માટે માત્ર 7 ગ્રામસેવકોને જવાબદારી સોંપવામાં આવી છે.